• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The 57th Foundation Day Of Gandhinagar, The Capital Of The State, Was Celebrated With Great Fanfare, The Government City Spread Across The World.

હરણફાળ પ્રગતીનો ડ્રોન નજારો:રાજયના પાટનગર ગાંધીનગરનાં 57માં સ્થાપના દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ, દુનિયાભરમાં છવાયું સરકારી શહેર

ગાંધીનગર11 દિવસ પહેલા
  • દર વર્ષની જેમ આજના દિને પણ ગાંધીનગરનો બર્થડે ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

ગુજરાતનાં ઝડપી વિકસીત શહેર અને પાટનગર એવા ગાંધીનગરની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ 1965ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. દર વર્ષની જેમ આજના દિને પણ ગાંધીનગરનો બર્થડે ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો છે.

57મો સ્થાપના દિન
ગાંધીનગરની રચનામાં જૂદાં જૂદાં 12 ગામોની 2382 ખેડૂતોની 10,500 એકર ખેતીની જમીન તેમજ પાંચ હજાર એકર ગૌચર – ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. 1લી મે, 1970થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-29 અને સેકટર 28માં વસવાટ શરૂ થયો હતો. શરૂઆતમાં માળખાકીય સુવિધાઓના અભાવ વચ્ચે આજ દિન સુધી અનિયમિત રહેલા વિકાસ અને પ્રગતિમાં અનેકવિધ તડકી – છાંયડી જોનાર ગાંધીનગરનો આજે એટલે કે બીજી ઓગસ્ટ 2022ના રોજ 57મો સ્થાપના દિન છે.

દુનિયાભરમાં ગાંધીનગર છવાયુ
એક સમયે સુમસામ ભાસતાં અને આંધીનગરથી ઓળખાતાં ગાંધીનગરમાં પાણીના ભાવે જમીનો સરકારે આપી હતી. તેમ છતાં કોઈ રહેવા આવતું નહોતું ત્યારે આ જ જમીનના હાલ કરોડો રૃપિયા ઉપજી રહયા છે. એક સમય હતો કે જ્યારે આ જગ્યા સાવ સુમસામ ભાસતી હતી. ચારેય કોર ધુળની ડમરીઓ અને વેરાન જંગલો...માણસ અહીં શોધ્યો નહોંતો જડતો. પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે રાજ્યની સાથોસાથ રાજધાની ગાંધીનગરના વિકાસ માટે અનેક કામો કર્યા હતા. અને હવે જ્યારે તેઓ ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેઓ પોતાની કર્મભૂમિ ગાંધીનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહે છે. એના જ ફળસ્વરૂપ છેલ્લાં એક દાયકામાં ગાંધીનગરમાં 4 મહત્ત્વના પ્રોજેક્ટની સ્થાપાયા. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 13000 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો. અને આ પ્રોજેક્ટ્સ થકી જ દુનિયાભરમાં છવાઈ ગયું આ સરકારી ગાંધીનગર શહેર.

વિસ્તારની દ્રષ્ટીએ પણ ગાંધીનગર મોટું થયું
દાયકા પહેલાં સેક્ટરોમાં સીમીત રહેતું ગાંધીનગર હવે છેક અમદાવદ સુધી વિસ્તરી ગયું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં રાંધેજા, પેથાપુરથી લઇને ભાટ તથા ખોરજ -ઝુંડાલ સુધીના ગામો સમાઇ ગયા છે. આમ, નગર જેમ જેમ ઉંમરથી મોટું થઇ રહ્યું છે તેમ તેમ વિસ્તારની દ્રષ્ટીએ પણ ગાંધીનગર મોટું થયું છે.

અન્ય શહેરોની સરખામણીએ અલગ ઓળખ
ગાંધીનગર રાજયના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં વિખ્યાત છે. એટલું જ નહીં સુંદર માર્ગો, બગીચાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. આગામી દિવસોમાં આ અંડરપાસ પણ તૈયાર થઇ ગયા બાદ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી અખંડ સ્વર્ણીમપાર્ક હશે અને આ સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગરનું કરોડરજ્જુ બની જશે.

પહેલા જ દિવસે 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવાયા હતા
ગાંધીનગરની સ્થાપના બાદ 1 મે, 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. પહેલા જ દિવસે 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવાયા હતા, જેમાં 95 ટકા સરકારી કર્મચારીઓ હતા. અહી વસવાટ વસાવવા માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. અહીં લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊભા કરાયાં હતાં. રાજધાનીમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત સામેલ છે. શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે.

2024માં મેટ્રો ટ્રેન દોડશે
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 2024માં મેટ્રો ટ્રેન દોડશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તો બીજીબાજુ ગાંધીનગર અમદાવાદ આ બન્ને મહાનગરોમાંથી પસાર થતી સાબરમતી નદીના રીવરફ્રન્ટને પણ ગાંધીનગર સુધી લંબાવાની યોજના આગામી દિવસોમાં છે. જે અંતર્ગત સંત સરોવર સુધી રીવરફ્રન્ટનું કામ કરવામાં આવશે. સંત સરોવર ખાતે વિવિધ સુવિધા ઉભી કરીને તેને પર્યટનસ્થળ તરીકે પણ ડેવલપ કરવાની એક યોજના આગામી વર્ષોમાં આકાર લે તો નવાઇ નહીં.

રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરાયું
અગાઉ ગિફ્ટસીટી, મહાત્મા મંદિર, દાંડી કુટીર ગાંધીનગરની નવી ઓળખ બન્યા છે. ત્યારે નગરના કેપીટલ રેલ્વે સ્ટેશન ઉપર ઉભી થયેલી પાંચ સિતારા હોટલ ગાંધીનગર માટે ગૌરવ સમાન બની છે.ગાંધીનગરના રેલ્વે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે ત્યારે રેલ્વે ટ્રેક ઉપર દેશની સૌ પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ બિલીપત્ર આકારની નિર્માણ પામી છે જે ગાંધીનગરનું નવું નજરાણું છે.અહીં આગામી દિવસોમાં કોમર્શીયલ ઝોન પણ નવો ડેવલોપ કરવામાં આવનાર છે એટલુ જ નહીં, બીલીપત્ર આકારની આ 65 મીટરની ઉંચાઇ ધરાવતી હોટલ ગાંધીનગરની સૌથી ઉંચી ઇમારત બની છે.ગાંધીનગરની સૌથી ઉંચી ઇમારત હોટલના રૃપમાં મળી છે.ત્યારે આગામી વર્ષમાં ગ રોડ ઉપર એક અંડર પાસ ઉપરાંત ચ રોડ ઉપર વધુ બે અંડર પાસ ગાંધીનગરને મળશે.

અન્ય સમાચારો પણ છે...