ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં ત્રિદિવસીય 13માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-2022નો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં 15 હજાર ચો.મી. વિસ્તારમાં આયોજિત એક્ષ્પોની અંદાજે 10 હજારથી વધુ ફાર્મા ક્ષેત્રના સાહસિકો-વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. તેમજ સાતમી ઓગસ્ટ સુધી ચાલનારા એક્ષ્પોમાં 300થી વધુ પ્રદર્શકો પોતાના ઉત્પાદનો- મશીનરી રજૂ કરશે.
13માં ફાર્માટેક અને લેબટેક એક્ષ્પો-2022નો પ્રારંભ કરાયો
ગાંધીનગરમાં આજે વેસ્ટન ઇન્ડિયાના સૌથી મોટા 13માં ફાર્માટેક અને લેબટેક એક્ષ્પો-2022નો હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીના નેતૃત્વમાં ભારત ફાર્મા ક્ષેત્રે આત્મનિર્ભરની સાથે સાથે નિકાસકાર દેશ બન્યો છે. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે કોરોનાની સ્વદેશી વેક્સિન વિકસાવીને ભારતના નાગરિકોને સુરક્ષિત કરવાની સાથે વિશ્વના દેશોને તેની નિકાસ કરીને સૌના કલ્યાણની ભાવના ચરિતાર્થ કરી છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓએ ગુજરાતને ફાર્મા સહિત અનેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ અપાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે
પ્રદર્શનનું આયોજન 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું
આરોગ્ય મંત્રીએ પ્રદર્શનની વિગતો આપતાં કહ્યું હતું કે, આ પ્રદર્શનનું આયોજન 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન સહિતના 300થી વધુ પ્રદર્શકો ફાર્મા મશીનરી, લેબ અને એનાલિટીકલ સાધનો, પેકેજિંગ ઇક્વિપમેન્ટ, ક્લીન રૂમ, ફોર્મ્યુલેશન, ન્યુટ્રાસ્યુટીકલ, કોસ્મેટિક્સ, API, કેમિકલ, આયુર્વેદિક, સંઘટકો અને સુગંધિત દ્રવ્યો સહિતનાં ઉત્પાદનો પ્રદર્શિત કરશે. આ એક્ષ્પોમાં અંદાજે 10,000 થી વધુ મુલાકાતીઓ એક્ષ્પોની મુલાકાત કરશે તેવી અપેક્ષા છે.
પ્રદર્શન, ટેકનિકલ સેમિનાર અને બાયર્સ-સેલર્સ બેઠક પણ યોજાશે
વધુમાં પ્રદર્શન, ટેકનિકલ સેમિનાર અને બાયર્સ-સેલર્સ બેઠકના આયોજનો સાથેનો આ ત્રિ-દિવસીય કાર્યક્રમ ખાસ કરીને વેસ્ટર્ન રીજીયનમાં ફાર્મા મશીનરી અને ફાર્મા પ્રોડક્ટ સેક્ટરમાં વર્તમાન મુદ્દાઓ અને તકોને સમજવા માટે અગ્રણી ઉદ્યોગકર્તાઓ માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત પ્રદર્શનમાં પરીક્ષણ(ટેસ્ટિંગ) માર્કેટિંગ,બિઝનેસ વધારવા, ટેક્નોલોજી ક્ષેત્રે અનુકૂલન સાધવા અને ખાસ કરીને ફાર્મ મશીનરી અને ઉત્પાદનોને અપગ્રેડ કરવા માટે ઉદ્યોગમાં નવીનતમ ઉત્પાદનો, મશીનરી, સાધનો અને તેમાં વિકાસનું પ્રદર્શન કરવામાં આવશે.
એકબીજા સાથે આદાન-પ્રદાન કરવાની ઉત્તમ તકો પ્રદાન થશે
આ મશીનરી ઉત્પાદકો, ફાર્મા ઉદ્યોગ અને એકેડેમિયા અને અન્ય સહભાગીઓ તથા મુલાકાતીઓને એકબીજા સાથે આદાન-પ્રદાન કરવાની ઉત્તમ તકો પ્રદાન કરશે. આ ત્રિદિવસીય એક્ષ્પોમાં નાઇજેરિયા, ઘાના, અંગોલા, મોઝામ્બિક, સેનેગલ અને નામિબિયા સહિતના વિવિધ આફ્રિકન દેશના ઉદ્યોગ સાહસિકો-ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક તેમજ વિવિધ વૈશ્વિક વિષય પર સેમિનાર યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.