તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિનિ લૉકડાઉનની અસર:15 દિવસમાં ટેસ્ટિંગ 13 ટકા ઘટ્યું, કેસ 34 ટકા ઘટ્યા

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: આશિષ મકવાણા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 28 એપ્રિલથી 11 મે સુધીના આંશિક લૉકડાઉનના પખવાડિયાનું કોરોના સરવૈયું
  • આવશ્યક સિવાયના વેપાર-ધંધા, જાહેર સ્થળોના બંધની પણ અસર

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 1 મહિના કોરોના આંકડા જોઈએ તો કેસોમાં આંશિક ઘટાડો થયો છે. કેસોમાં થયેલો આંશિક ઘટાડો મિનિ લૉકડાઉનની અસર છે કે ટેસ્ટિંગમાં ઘટાડો કરાતાં કેસોમાં ઘટાડો થયો છે તે ચર્ચાનો વિષય છે. કોરોનાનું સંક્રમણ વધતાં ગાંધીનગર સહિતનાં શહેરોમાં 28 એપ્રિલથી જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના વેપાર-ધંધા બંધ કરાયા છે.

બજારો, બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, જીમ, શોપિંગ કોમ્પ્લેક્સ સહિતનાં સ્થળોએ લોકોની અવરજવર ઓછી થતાં સંક્રમણ પણ ઓછું ફેલાયું હોવાનું અનુમાન છે. કારણ કે 27 એપ્રિલે મનપા વિસ્તારમાં 165 કેસ નોંધાયા હતા જ્યારે 11 મેએ 109 કેસ થયા હતા. બીજી તરફ ગાંધીનગર સહિત રાજ્યસ્તરે ટેસ્ટિંગમાં ઘટાડો થતાં સીધી રીતે તેની અસર કેસોના આંકડા પર પણ પડી છે. ગાંધીનગર શહેરમાં પણ ટેસ્ટિંગ માટે હવે પહેલાં જેવી લાંબી લાઈનો જોવા મળતી નથી. જોકે આ બધા વચ્ચે હૉસ્પિટલો અને સ્મશાનોમાં વેઇટિંગની સ્થિતિનાં દૃશ્યો ઓછાં થઈ ગયાં છે.

મનપા વિસ્તારમાં 15 દિવસમાં 27 એપ્રિલે થયેલા 2095 ટેસ્ટની સામે 11 મેએ થયેલા 1828 ટેસ્ટનો આંકડો જોઈએ તો ટેસ્ટિંગમાં 13 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે 27 એપ્રિલના 165 કેસની સામે 11 મેના 109 કેસ નોંધાતાં 34 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. ટેસ્ટિંગ સામે પૉઝિટિવ કેસનો રેશિયો 27 એપ્રિલે 7.87 ટકા હતો જે 11 મેએ 5.96 ટકા જેટલો આવ્યો હતો. એટલે કે ટેસ્ટિંગ સામે પૉઝિટિવ કેસોમાં 1.91 ટકા જેટલા ઘટાડો આવ્યો છે.

અનેક કેસ તો સરકારી ચોપડે નોંધાતા જ નથી!
કોરોનામાં હાલની સ્થિતિમાં અનેક નાગરિકો તંત્ર દ્વારા કરી રેપીડ ટેસ્ટ, RT-PCR ટેસ્ટ ઉપરાંત ખાનગી ડૉક્ટર્સની સલાહ મુજબ એચઆરટીસી અને ડિ-ડાયમર સહિતા ટેસ્ટ જાતે કરાવી લેતા હોય છે. જેમાં હેવી ઈન્ફેક્શન આવે તો દાખલ થતા હોય છે. જોકે સામાન્ય લક્ષણોવાળા અનેક લોકો ઘરે જ રહીંને ડોક્ટર પાસેથી દવા લઈ સારવાર કરાવી લેતા હોય છે. આવા અનેક કેસો પણ તંત્રના ચોપડે નોંધાતા નથી.

સ્મશાનમાં કેમ વેઇટિંગ ઘટ્યું?
મનપા વિસ્તારમાં પહેલાં સેક્ટર-30ના સ્મશાનમાં જ અંતિમવિધિ થતી હતી. સિવિલમાં જિલ્લા ઉપરાંત બહારથી આવતા દર્દીઓને પણ દાખલ કરાતા હોય છે. જેને સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોના મૃતકોની પણ સે-30 ખાતે જ અંતિમવિધિ થતી જેને પગલે વેઇટિંગ થતું હતું. જોકે તંત્રે ગામડાંમાં સ્મશાન કાર્યરત કર્યાં અને બીજી તરફ અન્ય ગામોમાં બંધ પડેલાં સ્મશાનો ગ્રામજનોએ જાતે જ ચાલુ કરી દીધાં હોવાથી વેઇટિંગ ઘટ્યું છે.

અન્ય સમાચારો પણ છે...