શિવાંશ કેસમાં ચોંકાવનારો ખુલાસો:મહેંદીએ સાથે રહેવાની જિદ્દ કરતાં સચિને ગળું દબાવી હત્યા કરી, લાશને બેગમાં પેક કરી રસોડાંમાં મૂકી શિવાંશને લઇ ગાંધીનગર આવી ગયો

ગાંધીનગર7 મહિનો પહેલા
હિના અને સચિનની ફાઈલ તસવીર
  • વડોદરાના દર્શનમ ઓએસિસના G-102 ફ્લેટમાં સચિન અને મહેંદી લિવ-ઇનમાં રહેતા હતા
  • વડોદરા ફ્લેટમાં મહેંદીની હત્યા કરી શિવાંશને ગાંધીનગર ગૌશાળાના દરવાજે સચિન મૂકીને જતો રહ્યો

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી સાત ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. 8 ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી અને શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી અને તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને બેગમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર આવી ગયો હતો.

પોલીસ પકડમાં રહેલો સચિન દીક્ષિત
પોલીસ પકડમાં રહેલો સચિન દીક્ષિત

સચિને ચોંકાવનારા ખુલાસા કર્યા
ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં તરછોડાયેલા બાળક શિવાંશ અંગે માહિતી આપવામાં આવી હતી. એ પછી શિવાંશને તરછોડી જનાર તેના પિતા સચિન દીક્ષિતની શોધખોળ કરવામાં આવી હતી અને તેને ઝડપીને આજે વહેલી સવારે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. તેની માનસિક હાલત સારી ન હોવાથી પોલીસે શાંતિથી વિશ્વાસમાં લઇને પૂછપરછ કરી હતી. જેમાં તેણે સિલસિલા બંધ જે સ્ટોરી કહી છે તે ઘણી જ ચોંકાવનારી છે.

મહેંદી જ્યાં નોકરી કરતી હતી ત્યાં સચિન તેના સંપર્કમાં આવ્યો
સચિન દીક્ષિતે મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમમાં હતો. મહેંદી અમદાવાદમાં જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન સાથે મુલાકાત થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ મહેંદી અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જો કે, મહેંદીએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મહેંદીએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા મહેંદી, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.

વડોદરામાં સચિન અને મહેંદી પોતાના બાળક સાથે રહેતા હતા
વડોદરામાં નોકરીએ લાગ્યા બાદ સચિને બાપોદ વિસ્તારમાં દર્શનમ ઓએસિસમાં જી-102 ફ્લેટ ભાડે લીધો હતો. જેમાં સચિન અને મહેંદી પોતાના બાળક શિવાંશ સાથે રહેતા હતા. સચિન અઠવાડિયાના પાંચ દિવસ સોમથી શુક્ર વડોદરા મહેંદી અને શિવાંશ સાથે રહેતો હતો અને શનિ-રવિ ગાંધીનગરમાં પોતાના માતા-પિતા અને મૂળ પત્ની સાથે રહેવા માટે આવતો હતો.

બન્ને વચ્ચે ઝગડો થયો અને સચિને મહેંદીની હત્યા કરી
બે દિવસ પહેલાં સચિનને પરિવાર સાથે વતન જવાનું હતું, જેથી મહેંદીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તું વતન જવાનું રહેવા દે અને મારી સાથે જ હંમેશા માટે રહે. જેને લઇને બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી. અંતે સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી.

બરોડામાં જે ફ્લેટમાં હત્યા થઈ તે એપાર્ટમેન્ટની તસવીર
બરોડામાં જે ફ્લેટમાં હત્યા થઈ તે એપાર્ટમેન્ટની તસવીર

મહેંદીની લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી
મહેંદીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને એક બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી. શિવાંશને સાથે લઇને સચિન અહીં આવવા નીકળી ગયો હતો. ગાંધીનગર પહોંચી સ્વામિનારાયણ ગૌશાળા છે ત્યાં પગથિયા પર શિવાંશને તરછોડી દીધો હતો. ગૌશાળા પાસે શિવાંશને મુકવાનું કારણ એ હતું કે અહીં તે દૂધ અને ઘી લેવા માટે આવતો હતો. ગૌશાળાના ટ્રસ્ટીઓ અને સંતોએ પણ એ વાતની પૃષ્ટિ કરી છે કે સચિન અહીં આવતો હતો. તેથી જાણીતી જગ્યા હોવાના કારણે શિવાંશને ત્યાં મૂકી તે પરિવાર સાથે યુપી તરફ જવા નીકળી ગયો હતો. પોલીસે તેને અધવચ્ચેથી ઝડપી લીધો હતો. બાળકને હાલ શિશુગૃહ ખાતે મોકલી દેવામાં આવ્યું છે.

શિવાંશને શિશુગૃહમાં મોકલાશે, DNA રિપોર્ટ કરાશે
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું હતું કે, શિવાંશને શિશુ ગૃહમાં મોકલવામા આવશે. તેના DNA સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જ્યારે સચિનની હાલ બાળક તરછોડી દેવાના મામલે ધરપકડ કરી લેવામા આવી છે. હવે વડોદરામાં મહેંદીની હત્યા મામલે ખૂનનો ગુનો નોંધવામા આવશે. સચિન અને મહેદીના લગ્ન ના થયા હોવાનું અને લિવઈનમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા

લિવ ઈન રિલેશનના કારણે અનેકની જિંદગી વેરવિખેર બની
સચિન દીક્ષિત પરિણીત હોવા છતા મહેંદી સાથેના આડાસંબંધોના પરિણામે આજે અનેકની જિંદગીમાં તોફાન આવ્યું છે. માતાની હત્યાના કારણે શિવાંશે હાલ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. શિવાંશને હાલ શિશુ ગૃહમાં મોકલી આપવામા આવ્યો છે. તો બીજી તરફ મહેંદીના હત્યા કેસમાં સચિનનું જેલ જવાનું નક્કી મનાઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં રહેતી તેની પત્ની, સંતાનો અને માતાપિતાની મુસીબતમાં પણ વધારો થયો છે.

શિવાંશ સાથે ગૃહ રાજ્યમત્રી હર્ષ સંઘવી
શિવાંશ સાથે ગૃહ રાજ્યમત્રી હર્ષ સંઘવી

'બાળકને તેના દાદા સંભાળે તો ભલે, નહીં તો તેની સંભાળ સરકાર રાખશે'
શિવાંશની માતાની હત્યાના ઘટસ્ફોટ બાદ હાલ શિવાંશનો ઓઢવ શિશુગૃહમાં મોકલી આપવામા આવ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જો બાળક(શિવાંશ)ને તેના દાદા ( સચિનના પિતા) સાચવે તો સારું છે. નહીં તો બાળકને સરકાર સાચવશે. બાળકનું મજબૂત ભવિષ્ય બને તે માટે સરકાર તમામ પ્રયાસો કરશે.

અન્ય સમાચારો પણ છે...