લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ:અમદાવાદનો કોન્ટ્રાકટર કોરોનાકાળમાં લવારપુરમાં આવી ન શકતા દસ લોકોએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન હોવાથી કોન્ટ્રાક્ટર ગામમાં આવી શકતો ન હતો, જેનો લાભ ઉઠાવી ગામનાં જ ઈસમોએ જમીનમાં ઓરડીઓ બાંધી કબ્જો કર્યો

અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતો કોન્ટ્રાક્ટર લોકડાઉનના કારણે પોતાના ગામ ગાંધીનગરના લવારપુર આવી શકતો ન હતો. જેનો ફાયદો ઉઠાવી ગામના દસ ઈસમોએ કોન્ટ્રાક્ટરની જમીનમાં ઓરડીઓ બનાવી પશુઓને બાંધીને જમીન પચાવી પાડી હતી. જેને લઈ ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટરની વડીલોપાર્જીત જમીન લવારપુરમાં આવેલી છે
અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતા મૂળ લવારપુર ગામના જનકભાઈ પટેલ ખેતી તેમજ કોન્ટ્રાકટર તરીકે કામ કરી રહ્યા છે. જેમની વડીલોપાર્જીત જમીન લવારપુર ગામની સીમમાં બ્લોક/સર્વે નંબર 399 ( જુનો સર્વે નંબર 46 ) ( જુના સર્વે નંબર 22, 67, 69 પૈકી, 75, 76) ની કુલ જમીન 380-25 ની માપવાળી ખેતી આવેલી છે. જે જમીનમાં બોરકુવો તથા બે પાકા મકાનો આવેલા છે. જેનો ઉપયોગ ખેતીની સિઝનમાં માણસોને રહેવા માટે કરવામાં આવે છે.
​​​​​​​લોકડાઉનનો ફાયદો ઉઠાવી જમીન પચાવી પાડી
આ ખેતર પર ખેતી કામ કરવા અવાર નવાર જનકભાઈ આવતા જતા હતા. ત્યારે કોરોના કાળના સમયમાં એટલે કે 2020 ની સાલમાં કોરોના આવતાં માર્ચ-એપ્રિલમાં લોકડાઉન થયું હતું. જેનાં કારણે જનકભાઈ ખેતર ઉપર આવી શક્યાં ન હતાં. જેનો ફાયદો ઉઠાવી ગામના કોદરજી નાથાજી ઠાકોર, બુધાજી કોદરજી ઠાકોર, ભીખાજી જુગાજી ઠાકોર, મહેશ ભીખા જી ઠાકોર, ગોવિદજી ભીખાજી ઠાકોર, રેવાજી મગનજી ઠાકોર, જગદીશ રેવાજી ઠાકોર, જડીબેન કોદરજી ઠાકોર, હીરાબેન રવાજી ઠાકોર અને પાલીબેન ભીખાજી જમીન ઉપર કાચા મકાનો બનાવી પશુઓને બાંધી કબ્જો કરી લીધો હતો.
​​​​​​​​​​​​​​કલેક્ટરનાં હુકમના પગલે ગુનો નોંધવામાં આવ્યો
આ અંગેની જાણ થતાં જનકભાઈ ગામમાં દોડી આવી ઉક્ત ઈસમોને જમીન ખાલી કરવા કહ્યું હતું. ત્યારે બધાએ તમારે જે થાય તે કરી લેજો. આ જમીન અમારી છે અને આ જમીનમાંથી નિકળવાના નથી તેમ કહી ઝગડો કર્યો હતો. આ મામલે જનકભાઈએ જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીગની અરજી કરતા સીટની તપાસના અંતે કલેકટર ડો. કુલદીપ આર્યએ ઉક્ત ઈસમો વિરુદ્ધ ડભોડા પોલીસને ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...