વિરોધ:ગરુડા એપ ડાઉનલોડ કરવાના આદેશના વિરોધમાં આજે શિક્ષકો આવેદન આપશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએલઓની કામગીરી અંતર્ગત શિક્ષકો દ્વારા કરવામાં આવેલો વિરોધ
  • મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા સંઘ દ્વારા ફરમાન

હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં શિક્ષકોને ફરજિયાત ગરૂડા એપ ડાઉનલોડ કરવાના આદેશથી રોષ ફેલાયો છે. ઉપરાંત સમયમર્યાદામાં એપના માધ્યમથી ઓનલાઇન કામગીરી કરવી અશક્ય છે. છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ હોવાથી હાલમાં વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યા ત્યારે તેમના શૈક્ષણિક કાર્યમાં વિશેષ ધ્યાન આપવાનું હોવાથી બીએલઓની કામગીરી સમયમર્યાદામાં થઇ શકશે નહી રાજ્યભરના તમામ તાલુકાઓમાં મામલતદાર અને જિલ્લામાં કલેક્ટરને તારીખ 25મી, ગુરૂવારે આવદેનપત્ર આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ફરમાન કર્યું છે.

ચાલુ શૈક્ષણિક વર્ષના બીજા સત્રમાં ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયુ છે. ત્યારે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિશેષ ભાર આપવો જરૂરી છે. પરંતુ તેવા સમયમાં રાજ્યના ચુંટણીપંચે મતદારયાદી સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપીને તેની એન્ટ્રી ઓનલાઇન ગરુડા એપમાં કરવાનો તેમજ નિયત સમયમર્યાદામાં મોકલી આપવાનો આદેશ રાજ્યના ચુંટણી પંચે કર્યો છે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. બીએલઓની કામગીરીમાં ટેકનોલોજીનો મર્યાદિત જ ઉપયોગ કરવાનો હોવાથી કામગીરી કરવી મુશ્કેલ ભરેલી છે.

ઉપરાંત તેનાથી કામગીરીમાં ક્ષતિ રહેવાની શક્યતા રહેલી છે. દરેક શાળાઓમાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ નહી હોવાથી શાળાકક્ષાએ કામગીરી કરવી અસંભવ છે. શિક્ષકોને બીએલઓની કામગીરી ડોર ટુ ડોર જઇને કરવાની હોવાથી તેની સીધી અસર શાળાના બાળકો ઉપર પડે છે. વધુમાં મોટાભાગની શાળાઓમાં સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત તેના માપદંડ સિદ્ધ કરવા માટે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે બીજી તરફ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી હોવાથી સમયમર્યાદમાં કામગીરી નહી થવાથી શિક્ષણ વિભાગમાંથી ઠપકો આપવામાં આવે છે.

ઓનલાઇન કામગીરીમાં ચુંટણી પંચે નક્કી કરેલા પ્લેટફોર્મ પણ ક્ષતિવાળા હોવાથી ઘણીવખત એક જ ફોર્મ ભરવા માટે ઘણાં પ્રયત્નો કરવા પડે છે. આથી બીએલઓની કામગીરીના ફોર્મ એકંદર કરીને ઓફિસમાંથી ડેટા એન્ટ્રી થાય અથવા બીએલઓની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને ટેબલેટ આપવાની માંગણી સાથે તાલુકા અને જિલ્લાકક્ષાના પ્રાથમિક શિક્ષક સંઘ મામલતદાર અને કલેક્ટરને તારીખ 25મી, ગુરૂવારના રોજ આવેદનપત્ર આપવાનું ફરમાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...