મન્ડે પોઝિટિવ:સાપસીડીના માધ્યમથી વિદ્યાર્થીઓને ગણિત સહિતના વિષયનું શિક્ષણ આપતા શિક્ષિકા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણિત વિષયનો ડર દૂર કરવા શિક્ષિકા દ્વારા નવતર પ્રયોગ કરાયો

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણિત વિષયનું શિક્ષણ ગમ્મત સાથે જ્ઞાન મળે અને બાળકોને ગણિત વિષય અઘરો લાગે નહી તે માટે ગોગાપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વેસ્ટ વસ્તુમાંથી અનોખી સાપસીડી બનાવી છે. ઉપરાંત અન્ય વિષયની પણ સાપસીડી બનાવીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો થયો છે.

અઘરા વિષય તરીકે ગણિતનું નામ દરેકના મોં ઉપર ઝડપથી આવે છે. જોકે ગણિત વિષયને પણ ગમ્મત સાથે ભણાવવામાં આવે તો વિદ્યાર્થીના મનમાં વિષયને લઇને ઉભી થયેલી ગેરમાન્યતાઓ દુર થાય છે. જોકે આવો જ અભિગમ જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામની પાસે આવેલી ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન અંકિતાબેન પટેલે અપનાવ્યો છે.

શિક્ષિકાએ અભ્યાસક્રમમાં આવતી દરેક દાખલા, એકડા સહિતની અલગ અલગ સાપસીડી બનાવી છે. વેસ્ટ વસ્તુઓમાંથી સાપસીડી બનાવીને દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ઉપરાંત મોટી સાપસીડી પણ બનાવવામાં આવે છે.

તેમાં બાળકોને બેસાડીને ખુદ શિક્ષિકા સાપસીડીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપે છે. જોકે શિક્ષિકાએ માત્ર ગણિત જ વિષય નહી પરંતુ અન્ય વિષયો જેમ કે પર્યાવરણ સહિતના વિષયની પણ સાપસીડી, વેપાર, લુડો સહિતની રમતો બનાવી હોવાનું શિક્ષિકા અંકિતાબેન પટેલે જણાવ્યું છે.

સાપસીડીથી છાત્રો ઝડપી સમજી શકે છે
સાપસીડીથી ગણિતના દરેક પ્રકરણને સમજાવવાથી વિદ્યાર્થીઓ ઝડપી સમજી શક્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓને ગણિત વિષય ભણવામાં રસ અને રૂચિ પણ કેળવાઇ છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિષયનો ડર પણ દુર થયો હોવાનું શિક્ષિકાએ જણાવ્યું છે.

રાજ્યના 500 શિક્ષકોને રમતોની પીડીએફ કોપી મોકલવામાં આવી
ગોગાપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતાબેને પટેલે પોતાની શાળાના વિદ્યાર્થીઓને ગણિત ભણાવવા માટે સાપસીડી સહિતની રમતો બનાવી છે. જેનો ઉપયોગ રાજ્યના અન્ય શિક્ષકો કરી શકે તે માટે તેમણે અત્યાર સુધીમાં રાજ્યભરના 500 શિક્ષકોને તેની જાણકારી આપીને પીડીએફ કોપી પણ મોકલી હોવાનું શિક્ષિકાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...