ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી વડાપ્રધાન સાથેની બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગેની ગંભીર નોંધ લઈને સરકારને કડક અને ચોક્કસ ગાઈડલાઈન્સ સાથે પગલાં ભરવા તથા નિર્ણયો કરવાની સૂચના તેમજ ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એ જોતાં આગામી દિવસોમાં ગુજરાતનાં ચાર મોટાં શહેરમાં ભીડભાડવાળા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે. ખાસ કરીને ચાના અને પાનના ગલ્લા બંધ કરાવી દેવામાં આવી શકે છે, સાથે સાથે ગુજરાતની સરહદો પણ સીલ કરી ખાસ કિસ્સામાં પણ ટેસ્ટ વિના પ્રવેશ નહીં આપવાનો નિર્ણય થઈ શકે છે.
લગ્ન પ્રસંગમાં 200ને બદલે 100ની સંખ્યા કરી દેવાઈ
ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં અચાનક જ વધારો થઈ જતાં સુપ્રીમ કોર્ટે નોંધ લઈ સરકારોને ખખડાવી નાખી હતી. કોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટનો ઠપકો મળ્યાના કલાકોમાં જ રાજ્ય સરકારે લગ્ન માટેની મંજૂરીનો નિર્ણય બદલીને પ્રસંગમાં 200ની જગ્યાએ 100 લોકોને આમંત્રિત કરવાનો આદેશ કરી દીધો છે. જોકે હવે લગ્ન જ નહીં, પરંતુ અન્ય વ્યવસાયો જેમાં ખાસ કરીને ચા-પાનના ગલ્લાને પણ ‘બંધ’ કરવામાં આવે. એ ઉપરાંત રાજ્યની બોર્ડરોને સીલ કરવામાં આવે તેવી અટકળોએ જોર પકડી લીધું છે. આ કડક નિર્ણયો લેવા માટે સરકારમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ગમે ત્યારે આદેશ છૂટી શકે છે.
આ પણ વાંચો, ગુજરાતમાં સૌથી વધુ રિક્વરી રેટમાં 98.19 ટકા સાથે વલસાડ પહેલા સ્થાને
સુપ્રીમ કોર્ટના કડક વલણથી ગુજરાતમાં નિયમો બદલાયા
કોરોનાને મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બરાબરની આડે હાથ લીધી હતી. એટલું જ નહીં, આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ગુજરાતની ગંભીર સ્થિતિ અંગે સખત પગલાં ભરવાની સલાહ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના વલણને પારખી જઈ સરકારે એકાએક લગ્નમાં લોકોની ઉપસ્થિતિ પર કાપ મૂકતાં 100 લોકોને જ નિયમો સાથે હાજર રહેવા દેવા તેમજ અંતિમવિધિમાં માત્ર 50 લોકોને જ એકઠા થવા માટે મંજૂરી આપતો આદેશ કર્યો છે. બીજી બાજુ, રાત્રિ કર્ફ્યુમાં પણ કોઈ પ્રકારની છૂટછાટ નહીં આપવા માટે સરકારે મન બનાવી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોરોનાને વકરતો રોકવા ગલ્લા બંધ કરાય એવી શક્યતા
લગ્ન-અંતિમવિધિમાં લોકોની હાજરીમાં કાપ મૂક્યા બાદ આવનારા દિવસોમાં હજુ સરકાર મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે, જેમાં સૌથી પહેલા ચા-પાનના ગલ્લાને બંધ કરવાનું પગલું ઉઠાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી હોવા છતાં તેની કોઈ જ અસર પડી ન હોય તેવી રીતે ચા-પાનના ગલ્લે લોકોનાં ટોળાં એકઠાં થવાનું ચાલુ રહેતાં ત્યાંથી પણ કોરોના વધુ ને વધુ સ્પ્રેડ થતો હોવાનું તારણ બહાર આવ્યું હતું, તંત્ર દ્વારા દુકાન સીલિંગ, દંડ સહિતનાં પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં પણ એનાથી કોઈ જ ફરક પડ્યો હોય એવું ન દેખાતાં હવે સરકાર દ્વારા ચા-પાનના ગલ્લા થોડા સમય માટે બંધ કરાવવામાં આવે એવી સંભાવના નકારી શકાતી નથી.
આ પણ વાંચો, ગુજરાતમાં સસ્તું શોધવાની લાલચે કોરોનાનું સંક્રમણ વધાર્યું
ગુજરાતની આસપાસનાં રાજ્યોમાં કોરોનાનો હાહાકાર
આ ઉપરાંત સરકાર દ્વારા આંતરરાજ્ય વાહનોની અવર-જવર પર પણ પ્રતિબંધ લગાવીને રાજ્યની તમામ બોર્ડરો સીલ કરવામાં આવે એવી પ્રબળ શક્યતા છે. ગુજરાત સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જોડાયેલું છે અને અત્યારે આ ચારેય રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તે રાજ્યોના લોકોને ગુજરાતમાં આવતાં અટકાવી દેવાની શક્યતા છે. સંભવત: એકાદ-બે દિવસમાં આ દિશામાં મહત્ત્વનો નિર્ણય જાહેર થાય એવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.