વસૂલાત ઝુંબેશ:મનપા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ: 10 એકમ સીલ, 36 લાખની વસૂલાત

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્ષ શાખા દ્વારા 31 માર્ચ સુધી સિલિંગ ઝુંબેશ ચાલુ રખાશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ટેક્ષ શાખા દ્વારા ગત સપ્તાહથી મિલકતવેરા વસુલાતની ઝુંબેશ અંતર્ગત હાલ સીલીંગની કામગીરી ચાલુ છે. જેમાં સેક્ટર-25, 26 તથા 28 જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ મોટા બાકીદારો પૈકીના 30 વાણિજ્યક એકમોમાં સિંલિંગની કામગીરી કરાઈ હતી. જેમાં 10 એકમો સીલ કરવામાં આવેલ તેમજ અન્ય વાણિજ્યક એકમો પાસેથી 36 લાખની વસુલાત કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ટેક્ષ શાખા દ્વારા 31 માર્ચ સુધી સિલિંગ ઝુંબેશ ચાલુ કરાશે. જેને પગલે બાકીદારોને સત્વરે બાકી મિલકતવેરો ભરી જવા અપીલ કરવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે કોર્પોરેશન તંત્રને ખાનગી એકમો પાસેથી અંદાજે 35 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ લેવાનો બાકી છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જ 2 હજાર જેટલા એકમોને નોટિસ આપવામાં આવી હતી. જોકે બાકીદારોએ ટેક્સ ન ભરતાં તંત્ર દ્વારા હવે સિલિંગની ઝુંબેશ શરૂ કરાઈ છે. માત્ર ખાનગી એકમો જ નહીં પરંતુ સરકારી ઈમરતોનો પણ અંદાજે 29 કરોડ જેટલો વેરો બાકી છે. 2010માં કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યારથી સચિવાલય સહિતની મોટાભાગની સરકારી ઇમારતો કોર્પોરેશન વિસ્તારમાં આવી ગઈ હતી.

સ્થાપનાથી લઇને આજ દિન સુધીનો અહીં સરકારી ઇમારતો પરનો મૂળભૂત પ્રોપર્ટી ટેક્સનો આંકડો 29 કરોડની આસપાસ પહોંચ્યો છે. જો ચક્ક્રવૃદ્ધિ વ્યાજ અને દંડની રકમ ગણવામાં આવે તો આ રકમ અનેકગણી વધી શકે તેમ છે. ગાંધીનગરમાં આવેલા 13 હજાર જેટલા સરકારી આવાસોનો 15 કરોડ જેટલો પ્રોપર્ટીટેક્સ, જૂના સચિવાલયનો અંદાજે 4 કરોડ, નવા સચિવાલયનો અંદાજે 12 કરોડ, રાજભવન, મંત્રીનિવાસ સહિતના 40 જેટલા યુનિટનો અંદાજે 3 કરોડ જેટલો ટેક્સ બાકી છે. ત્યારે નાગરિકોની પ્રોપર્ટીને સીલ કરતું તંત્ર સરકારી ઈમારતો સામે પગલાં લઈ શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...