દર્દીઓને મળશે નિ:શુલ્ક સારવાર:ગાંધીનગર જિલ્લામાં 19થી 22 એપ્રિલ દરમિયાન તાલુકા આરોગ્ય મેળા યોજાશે, લોકોને મોટી સંખ્યામાં લાભ લેવા કલેક્ટરની અપીલ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મેળામાં ટી.બી, હાયપરટેંશન, ઓરલ કેન્સર, મેલેરિયાનું નિદાન અને સારવાર કરાશે
  • કલોલના સીએચસી, માણસાના એસડીએચ, અડાલજના સી.એચ.સી અને રખિયાલના સી.એચ.સી. ખાતે આયોજન

ગાંધીનગર જિલ્લાના માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર તાલુકા મથકોએ આગામી 19થી 22 એપ્રિલ દરમિયાન તાલુકા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલુકા આરોગ્ય મેળાનો બહોળી સંખ્યામાં લાભ લેવા કલેક્ટર દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.

ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓની જાણકારી ગાંધીનગર જિલ્લાના નાગરિકોને થાય અને નાગરિકો પોતાના આરોગ્ય માટે વધુ જાગૃત બને એ હેતુથી જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી તા. 19થી 22 એપ્રિલ દરમિયાન દરેક તાલુકામાં આરોગ્ય મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા આરોગ્ય મેળાની વિગતો આપતા જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, તા. 19 એપ્રિલના રોજ કલોલના સીએચસી, તા. 20 એપ્રિલે માણસાના એસડીએચ, તા. 21 એપ્રિલે ગાંધીનગરમાં અડાલજના સી.એચ.સી અને તા. 22 એપ્રિલે દહેગામ તાલુકાના રખિયાલના સી.એચ.સી. ખાતે આરોગ્ય મેળો યોજાશે.

આ તાલુકા આરોગ્ય મેળામાં ટી.બી, હાયપરટેંશન, ઓરલ કેન્સર, મેલેરિયાનું નિદાન અને સારવાર કરાશે. એટલું જ નહીં યોગા અને મેડિટેશન માટે ટેલી ક્ન્સલ્ટન્સીથી સારવાર પૂરી પાડવામાં આવશે. તાલુકા આરોગ્ય મેળામાં ફિઝિશિયન, ગાયનેક, આંખના અને દાંતના તજજ્ઞ ડૉકટરો વિનામૂલ્યે નાગરિકો અને દર્દીઓનું નિદાન અને સારવાર કરશે.

ઉપરાંત આયુષ્યમાન કાર્ડ, ડિજિટલ હેલ્થ આઇ.ડી., બ્લોક થયેલા વાત્સલ્ય અને મા કાર્ડ એક્ટિવેટ કરવાની કામગીરી પણ ઓન ધ સ્પોટ કરવામાં આવશે. આ તાલુકા આરોગ્ય મેળાનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ગ્રામ્યજનો અને નાગરિકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...