શંકાશીલ સ્વભાવે ઘર સંસાર બગાડ્યો:તલોદનાં ફેક્ટરીના માલિકે ચારિત્ર્ય પર શંકા રાખી બે વર્ષના બાળક સાથે પત્નીને અડધી રાત્રે ગાંધીનગરના માર્ગો પર તરછોડી દીધી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલા જ સામાજિક રાહે સમાધાન થતાં પરિણીતા બહુચરાજીથી તલોદ રહેવા ગઈ હતી
  • પતિ ગાડીમાં બેસાડી ગાંધીનગર તરફ આવી ખ રોડ પર પત્નીને ગાડીમાંથી ધક્કો મારી નાસી ગયો

સાબરકાઠાં જિલ્લાના તલોદની પરિણીતાનાં ચારિત્ર્ય પર શંકા રાખી પતિ જબરજસ્તીથી પત્ની અને બે વર્ષના બાળકને બેસાડીને ગઈકાલે રાત્રિના સમયે ગાંધીનગર આવ્યો હતો. બાદમાં વરસતા વરસાદમાં ખ રોડ પર પત્નીને બાળક સાથે ગાડીમાંથી ધક્કો મારીને નીચે ઉતારી દઈ નાસી ગયો હતો. ત્યારે અડધી રાત્રે સૂમસાન રોડ ઉપર પરિણીતાને તેના બે વર્ષના બાળકને લઈને મદદ માટે બેસી રહેવાની નોબત આવી હતી.

ફેક્ટરીના માલિક સાથે બહુચરાજીની 27 વર્ષીય યુવતીના લગ્ન થયા
સાબરકાઠાં જિલ્લાના તલોદ ખાતે રહેતા ફેક્ટરીના માલિક સાથે બહુચરાજીની 27 વર્ષીય યુવતીના સમાજના રીત રિવાજ મુજબ લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. લગ્ન પછી પરિણીતા સાસરીમાં રહેવા આવી હતી. સુખી સપન્ન પરિવાર હોવાથી સાસરીમાં કોઈ જાતની તકલીફ પરિણીતાને ન હતી. પતિ પણ ફેક્ટરીનો માલિક હોવાથી તેની બધી ઈચ્છાઓ પૂરી કરી કરતો હતો. આ દરમિયાન પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. જેની હાલ બે વર્ષનો છે.

પતિના મગજમાં શકનો કીડો સળવળ્યો
ઘરમાં પુત્રનું આગમન થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આમ ને આમ લગ્નના ત્રણ વર્ષ હેમખેમ પસાર થઈ ગયા હતા. પરંતુ કોઈની સુખી દામ્પત્ય જીવનને કોઈની નજર લાગી હોય એમ અચાનક જ પતિના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો હતો. પતિ હવે તેણીનાં ચારિત્ર્ય ઉપર શંકા કુશંકા કરવા લાગ્યો હતો. જેનાં કારણે દંપતી વચ્ચે નાની નાની તકરાર થવા લાગી હતી.

ત્રણ દિવસ પહેલા જ સમાધાન થતાં પરિણીતા સાસરી આવી હતી
લગ્નના ત્રણ વર્ષ પછી ભણેલો ગણેલો પતિ તેની પત્ની મોબાઇલ ઉપર આખો દિવસ પ્રેમી સાથે વાતો કરતી હોવાની શંકા રાખી ત્રાસ આપવા લાગ્યો હતો. આમ છેલ્લા એક વર્ષથી પતિના શંકાશીલ સ્વભાવથી ત્રાસીને પરિણીતા તેના બે વર્ષના દીકરાને લઈને છ મહિનાથી બહુચરાજી પિયરમાં રહેવા જતી રહી હતી. ત્યારે ત્રણ દિવસ પહેલા જ સામાજિક રાહે દંપતી વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.

પરિણીતાને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મુકી
પરિણીતા બે વર્ષના દીકરાને લઈને સાસરીમાં રહેવા આવી હતી. પરંતુ પતિનાં મગજમાં હજી પણ શંકાનો કીડો સળવળી રહ્યો હતો. લાંબા સમયથી પત્ની પુત્ર ઘરે આવ્યાની ખુશીની જગ્યાએ પતિ એજ શંકા કુશંકા રાખી જેમતેમ બોલવા લાગ્યો હતો અને બીજા દિવસે જ પરિણીતાને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મુકી હતી. જેનાં કારણે આખી રાત પરિણીતા ઘરની બહાર ઓશિયાળી થઈને બેસી રહી હતી.

આખો દિવસ પતિના વેધક સવાલોનાં જવાબો પત્ની આપતી રહી
સવાર પડતાં પોતાનો ઘર સંસાર બચાવવા પત્નીએ પતિને ઘણો સમજાવ્યો હતો પરંતુ પતિના મગજમાંથી શકનો કીડો નીકળતો ન હતો. આખો દિવસ પતિના વેધક સવાલોનાં જવાબો પત્ની આપતી રહી પણ પતિના મગજમાંથી શંકા દૂર થઈ ન હતી. આખરે ગઈકાલે રાત પડતાં જ પતિ પત્ની અને બાળકને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને ગાંધીનગર તરફ આવ્યો હતો.

ખ રોડ પર પત્નીને બાળક સાથે ધક્કો મારીને નીચે ઉતારી પતિ ભાગી ગયો
આ દરમિયાન પણ દંપતી વચ્ચે તકરાર ચાલુ રહી હતી. ત્યારે ગાડી સેકટર - 25 ખ રોડ પર પહોંચતા પતિએ પિત્તો ગુમાવી દઈ પત્નીને બાળક સાથે ધક્કો મારીને નીચે ઉતારી દઈ નાસી ગયો હતો. જેનાં કારણે પરિણીતા એક ખભાએ પર્સ અને બીજા હાથમાં બે વર્ષના દીકરાને તેડીને સૂમસાન માર્ગ પર એકલી અટૂલી પડી ગઈ હતી. એમાંય વરસાદ વરસતાં હાલત વધુ કફોડી બનતાં નિઃસહાય હાલતમાં ચોધાર આસુંએ મદદ માટે રાહ જોઈને બેસી રહી હતી.

મહિલા હેલ્પ લાઈનની ટીમ રાત્રીના દોઢેક વાગે પીડિતા પાસે પહોંચી
એકલી અટૂલી સૂમસાન માર્ગ પર સુખી સંપન્ન ઘરની પુત્ર સાથે બેઠેલી પરિણીતાને જોઈને કોઈએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરી હતી. જેનાં પગલે 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ રાત્રીના દોઢેક વાગે પીડિતા પાસે પહોંચી ગઈ હતી. જેને સાંત્વના આપી વાતચીત કરતાં ઉક્ત આપવીતી તેણીએ વર્ણવી હતી. બાદમાં તેણીને સાસરીમાં જવું ન હોવાથી બહુચરાજી તેના પિયરમાં ફોન કરીને જાણ કરાઈ હતી. જોકે, એ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોવાથી પિયર પક્ષના આજે વહેલી સવાર આવી શક્યાં ન હતાં. હાલમાં તેઓ પરિણીતાને લેવા માટે નીકળી ગયા છે અને આગામી દિવસમાં પરિણીતા તલોદના ફેક્ટરીના માલિક સામે ફરિયાદ દાખલ કરવાનો પણ નિર્ધાર કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...