તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરમાં એસીબી ત્રાટકી:મગોડીના તલાટી અને ક્લાર્કે સહી સિક્કા કરવાની અવેજીમાં રૂ. 10 હજારની લાંચ માગી, ક્લાર્ક રંગેહાથ ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી કમ મંત્રી મેહુલ પ્રફુલચંન્દ્ર મિસ્ત્રી તપાસ કરતા તે મળી આવ્યો ન હતો

ગાંધીનગરનાં મગોડીના રહીશ પાસે રેશનિંગ કાર્ડ અલગ કાઢવા માટે સહી સિક્કા કરી આપવાની અવેજીમાં રૂ. 10 હજારની લાંચ માગનાર મગોડી ગ્રામ પંચાયતના તલાટી અને કલાર્કને ઝડપી લેવા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવાયેલા છટકામાં કલાર્ક રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગાંધીનગરનાં મગોડી ગામે રહેતા ફરિયાદી સંયુક્ત પરિવારમાંથી અલગ રહેતા હોવાથી તેમને અલગ રેશનિંગ કાર્ડ કાઢવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેનાં માટે તેઓએ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રેશનિંગ કાર્ડ માટે અરજી પણ કરી હતી. જે અનુસંધાને તેમને રેશનકાર્ડ મળી ગયું હતું.

રેશનકાર્ડ માટે મગોડી ગામના રહેવાસી હોવાનું ગ્રામ પંચાયતમાંથી લેખિત પુરાવો પણ રજૂ કરવાનો હતો. ત્યારે ફરિયાદીએ મગોડી ગ્રામ પંચાયતની ઓફિસે જઈ તલાટી કમ મંત્રી મેહુલ પ્રફુલચંન્દ્ર મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. જ્યાં સહી સિક્કા કરી આપવાની અવેજમાં તલાટી મેહુલ મિસ્ત્રી તેમજ ક્લાર્ક કામ કોમ્પ્યુટર ઓપરેટર વિક્રમજી ભીખાજી ઠાકોર દ્વારા રૂ. 10 હજાર લાંચની માંગણી કરવામાં આવી હતી.

જે અન્વયે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો માં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે એસીબીના મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપર વિઝન હેઠળ ગાંધીનગર એસીબી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર એચ. બી. ચાવડા સહિતની ટીમ દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોડા ત્રણ રસ્તાની બાજુમાં ફરિયાદીની પાર્ક કરેલ ગાડીમાં વિક્રમજી ભીખાજી ઠાકોર લાંચ લેવા આવ્યો હતો.

સામાન્ય વાતચીત પછી ફરિયાદીએ રૂ. 10 હજાર આપતા જ વિક્રમજી ઠાકોરે લાંચની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન જ અગાઉથી ગોઠવાયેલા છટકામાં વિક્રમજીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જેની અટકાયત કરી તલાટી કમ મંત્રી મેહુલ પ્રફુલચંન્દ્ર મિસ્ત્રી તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. ત્યારે ગાંધીનગરમાં એન્ટી કરપ્શન દ્વારા સફળ ટ્રેપ કરવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...