સગીરા સાથે જબરદસ્તી:પ્રેમીને મળવા ગયેલી સગીરાને બાનમાં લઈ સાંતેજનાં માથાભારે શખ્સે સાગરિતો સાથે મળી અઘટિત માંગણી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરા તાબે નહીં થતાં રીઢા વિપુલ ઠાકોરે દીવાલે માથું ભટકાવી ઢોર માર માર્યો
  • સગીરાના મેડિકલ રિપોર્ટ પછી દુષ્કર્મનો ગુન્હો દાખલ થવાની સંભાવના

કલોલના સાંતેજ પોલીસ મથકની હદમાં ટાટા હાઉસિંગના મકાન વિસ્તારમાં પ્રેમીને મળવા ગયેલી સગીરાને સાંતેજનાં માથાભારે શખ્સ વિપુલ ઠાકોરે ત્રણ જેટલા સાગરિતો સાથે મળીને જબરજસ્તી કરી અઘટિત માંગણી કરી શારીરિક હૂમલો કર્યો હતો. જો કે સગીરા તાબે નહીં થતાં વિપુલ ઠાકોરે સગીરાને ઢોર માર મારી દીવાલ સાથે માથું અથડાવી જીવલેણ હૂમલો પણ કર્યો હતો. જેનાં કારણે સગીરાને ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે વિપુલ ઠાકોર ની ધરપકડ કરી સગીરાનું મેડિકલ ચેકઅપ પણ કરાયું છે.

સાંતેજ પોલીસ મથકની હદમાં વિપુલ ઠાકોર બેફામ બન્યો​​​​​​​
વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર સાંતેજ પોલીસ મથકની હદમાં રહેતા રીઢા ગુનેગાર વિપુલ ઠાકોર નામના ઈસમ સામે કેટલાય ગંભીર ગુન્હા પોલીસ મથકના ચોપડે દાખલ થયેલા છે. ત્યારે સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા તેના પ્રેમીને મળવા માટે ટાટા હાઉસિંગ કોલોની વિસ્તારમાં ગઈ હતી.

વિપુલ ઠાકોર તેના સાગરિતો સાથે સગીરા પાસે ગયો
એ દરમ્યાન પ્રેમી પંખીડાની એકલતાનો લાભ ઉઠાવી રીઢો ગુનેગાર વિપુલ ઠાકોર તેના સાગરીતો સાથે તેઓની પાસે પહોંચી ગયો હતો. અને સગીરા સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. જેનો સગીરાએ વિરોધ કરતા વિપુલ ઠાકોર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને સગીરાને ગડદાપાટુનો ઢોર માર મારવા લાગ્યો હતો.

સગીરા તાબે નહીં થતાં વિપુલ ઠાકોરે જીવલેણ હુમલો કર્યો
તેમ છતાં સગીરા તાબે નહીં થતાં વિપુલ ઠાકોર આવેશમાં આવી ગયો હતો. અને સગીરાનાં વાળ પકડીને માથું જોરશોરથી દીવાલે અથડાવવામાં લાગ્યો હતો. જેનાં કારણે સગીરા અર્ધ બેભાન અવસ્થામાં જમીન પર ઢળી પડી હતી. બનાવની જાણ થતાં સગીરાના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં સુધીમાં વિપુલ ઠાકોર સાગરિતો સાથે ફરાર થઈ ગયો હતો. બાદમાં સગીરાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને તેનું સોલા હોસ્પિટલમાં મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...