સરકારી શાળામાં ખાનગી જેવી સુવિધા:ગાંધીનગરના રાજપુરની સ્કૂલમાં સ્વિમિંગ પૂલ, વિદ્યાર્થીઓને અપાય છે ફાયરિંગની ટ્રેનિંગ, નેતૃત્વક્ષમતા વધારવા દર વર્ષે યોજાય છે ચૂંટણી

ગાંધીનગર2 વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • ચૂંટણીનું આયોજન અને કામગીરી સોંપવાથી લઈને પદની વહેંચણી પણ બાળકો જાતે કરે છે

ગુજરાતની ઘણી સરકારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલો જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. ગુજરાતની આદર્શ શાળાની શ્રેણીમાં આજે અમે ગાંધીનગરના રાજપુરમાં આવેલી સરકારી સ્કૂલ અંગે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરથી 50 કિ.મી. દૂર આવેલા રાજપુર ગામની એક સરકારી સ્કૂલમાં અદ્યતન સુવિધાઓની સાથોસાથ અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીનું ભણતરની સાથે ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પૂલની સુવિધા આપવામાં આવી છે, બાળકોને ફાયરિંગની ટ્રેનિંગ અને નેતૃત્વ કરી શકે એ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીથી લઇને વિધાનસભા અધ્યક્ષ સુધીના પદ હોય છે અને એ માટે ખાસ ચૂંટણી અને મતદાન પણ કરવામાં આવે છે.

શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટના પાઠ ભણાવાય છે
મોટાં શહેરોમાં અનેક અદ્યતન સુવિધા ધરાવતી ખાનગી સ્કૂલોમાં લાખો રૂપિયાની ફી લેવામાં આવતી હોય તોપણ વિદ્યાર્થીને શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટના પાઠ ભણાવવા માટે અલગથી ફી વસૂલવામાં આવતી હોય છે, પરંતુ રાજપુર ગામમાં આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે શિસ્ત અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગે ભણાવવામાં આવે છે. જેથી તેઓ જ્યારે સ્કૂલમાંથી ભણીને બહાર નીકળે ત્યારે માત્ર ભણતર નહીં, પરંતુ જીવનનું ઘડતર કરીને પણ નીકળે છે.

બાળકો પાસે દરરોજ નવી-નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
બાળકો પાસે દરરોજ નવી-નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

બાળકો ભણવા આવે એ માટે દરરોજ નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે
ગાંધીનગરથી 25 કિ.મી. દૂર આવેલા રાજપુર ગામમાં આવેલી સ્કૂલ અંગે ગામનાં તમામ બાળકો અને વાલીઓ એમ જ કહે છે કે આ મારી શાળા છે. આ સ્કૂલમાં ગાંધી વિચારધારા સાથે જોડાયેલાં બિંદુબેન શિક્ષક તરીકે જોડાયાં હતાં. તેઓ જ્યારે આ ગામમાં આવ્યાં ત્યારે સ્કૂલમાં નોંધાયેલાં બાળકોની સંખ્યા 60 હતી, પરંતુ ભણવા માટે માત્ર 35 જેટલાં જ બાળકો આવતાં હતાં. ગામનાં બાળકો સ્કૂલમાં ભણવા માટે આવે એ માટે બિંદુબેને નવો રસ્તો અપનાવ્યો અને દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ કરાવવાની શરૂઆત કરી હતી.

બાળકો દ્વારા આબુમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
બાળકો દ્વારા આબુમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.

બાળકો જાતે જ કરે છે સ્કૂલની પ્રવૃત્તિઓનું આયોજન
બિંદુબેને Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં શાળામાં ભણતાં બાળકોને કંઈક નવું મળે એ માટે અવનવા પ્રોજેક્ટ કરતા રહીએ છીએ. આ સ્કૂલ ભલે સરકારી હોય, પણ અહીં સ્વિમિંગ પૂલથી લઈને બાળકોને ફાયરિંગની ટ્રેનિંગ, ટ્રેકિંગ સહિત પોતાનામાં રહેલી નેતૃત્વશક્તિ વધે એ માટે ખાસ આયોજન કરવામાં આવે છે. અહીં બાળકો માટે દર વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે. આ ચૂંટણી બેલેટ પેપરના આધારે કરાય છે. ચૂંટાયેલાં બાળકોને હોદ્દા આપવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી, મહામંત્રી, શિક્ષણમંત્રી અને નાણામંત્રી જેવી પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવે છે. ચૂંટણીનું આયોજન પણ બાળકો દ્વારા કરાય છે અને કામગીરી સોંપવાથી લઈને નેતૃત્વ કામ વહેંચણી સહિતની તમામ બાબત બાળકો જ નક્કી કરે છે. બાળકો પોતે જ સ્કૂલનું અને સ્કૂલની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

અન્ય સમાચારો પણ છે...