વિવાદ:પગાર મુદ્દે સફાઈ કર્મચારીઓનો એજન્સીની ઑફિસે હોબાળો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પગાર કપાત મુદ્દે સફાઈ કામદારોએ એજન્સીની ઓફીસે હોબાળો કર્યો હતો. - Divya Bhaskar
પગાર કપાત મુદ્દે સફાઈ કામદારોએ એજન્સીની ઓફીસે હોબાળો કર્યો હતો.
  • સ્માર્ટ વોચના આધારે પગાર કપાતાં કામદારોની દિવાળી બગડી, જવાબદારી લેવા કોઈ તૈયાર નહીં!

ગાંધીનગર કોર્પોરેશનમાં એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારોનો પગાર કપાતા છેલ્લા 15 દિવસથી માથાકૂટ ચાલી રહી છે. સ્માર્ટવોચના આધારે પગાર થતાં અનેક કર્મચારીના પગારમાં ભારે કપાત થઈ છે. આખો મહિનો શહેરમાં સફાઈ કરનાર અનેક કામદારોમાં ખાતામાં માંડ 2 હજાર, અઢી હજાર, પાંચ હજાર જેવા પગાર જ આવ્યો હતો. જે મુદ્દે કોર્પોરેશન તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે આ મુદ્દે કોઈ ઉકેલ ન આવતા આખરે મંગળવારે સફાઈ કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો.

200થી વધુ સફાઈ કામદારો સેક્ટર-11 ખાતે સફાઇની એજન્સીની ઓફીસ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં કલાકો સુધી બેસી રહ્યાં હતા જોકે તેઓને પ્રશ્નનો નિરાકણ આવ્યું ન હતું. જેને પગલે આખો દિવસ અનેક વિસ્તારમાં સફાઈનું કામ થયું ન હતું.

હવે આજે સફાઈ કામદારો કઈ દિશામાં પહોંચે તે જોવાનું રહે છે. કારણ કે ધનતેરસ પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલે દિવાળી છે અને પછી બેસતું વર્ષ છે. ત્યારે તહેવાર ટાણે જ પૈસા કપાતાં અનેક સફાઈ કામદારોની દિવાળી બગડી છે. તો અનેકને ઉધારી કરીને તહેવાર કાઢવો પડે તેવી સ્થિતિ છે.

પગાર મુદ્દે તંત્ર અને એજન્સી એકબીજાને ખો આપે છે!
સફાઈ કામદારોના આક્ષેપ મુજબ સફાઈની એજન્સી અને તંત્ર બંને એકબીજાને ખો આપે છે. તંત્રને રજૂઆક કરવા જાય ત્યારે અધિકારીઓ એજન્સીને પગાર કરવા માટે કહેશે તેવું કહે છે જ્યારે એજન્સી પાસે જાય તો કોર્પોરેશનમાં રજૂઆત કરીને સ્માર્ટવોચનું નિરાકરણ લાવવા માટે આશ્વાસન અપાય છે. ત્યારે એજન્સી અને તંત્ર વચ્ચે હાલ તો સફાઈ કામદારો મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરમાં અનેક સ્થળે કચરાના ઢગલા જોવા મળ્યા
સફાઈ કામદારો કામગીરીથી અડગા રહેતાં શહેરમાં અનેક સ્થળે સફાઈને અસર પહોંચી હતી. જેમાં કેટલાક સ્થળેથી તો રસ્તા પર કચરાના ઢગલાં જોવા મળ્યા હતા. તહેવારના સમયે જ ઉભી થયેલી માથાકૂટને પગલે શહેરની સ્વચ્છતાં જોખમાશે તેવી ભીતી સેવાઈ રહી છે.

મુખ્યમંત્રી પટેલના આગમનને પગલે મ્યુનિ. તંત્ર દોડતું થયું!
સેક્ટર-6 ખાતે નવા બનેલા સરકારી આવાસોનું મંગળવારે લોકાર્પણ થયું હતું. લાંબા સમયથી આ વિસ્તારમાં સફાઈ થઈ ન હતી. જોકે સીએમના આગમનને પગલે તંત્ર દોડતું થયું હતું. જેમાં છેલ્લી ઘડી સુધી આસપાસના વિસ્તારમાં સફાઈ થતી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...