લમ્પી વાયરસનો ખતરો:માણસાનાં સોલૈયા ગામમાં બે ગાયોમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો, પશુપાલન વિભાગ દોડતું થયું

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વાયરસના ભય વચ્ચે ગાંધીનગરમાં રખડતાં ઢોરોનું સામ્રાજય
  • રખડતા ઢોરો પર અંકુશ ​​​​​​​મેળવવા માટે સંબંધિત તંત્રને લેખિત જાણ કરાશેઃ પશુપાલન અધિકારી

ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યાં છે. ત્યારે ગાંધીનગરનાં માણસા તાલુકાના સોલૈયા ગામમાં બે ગાયોમાં પણ લમ્પી વાયરસનાં શંકાસ્પદ લક્ષણો મળી આવતાં પશુપાલન વિભાગ દોડતું થઇ ગયું છે. લમ્પી વાયરસનાં ભયનાં ઓથાર હેઠળ ગાંધીનગરમાં રખડતાં ઢોરોનું સામ્રાજ્ય યથાવત રહેતા વાયરસનું સંક્રમણ ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેનાં પગલે ગાંધીનગરમાં રખડતા પશુઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા સંબંધિત વિભાગને પત્ર લખવામાં આવશે.

લમ્પી વાયરસથી 10 દિવસમાં 1121 પશુઓના મોત
ગુજરાતના 15 જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં લમ્પીના પગલે રાજ્યમાં 1121 પશુઓના મોત નિપજ્યા હોવાનું સરકારે સત્તાવાર જાહેરાત કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના 15 જિલ્લાઓમાં ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે કચ્છમાં જામનગરમાં વ્યાપક અસર જોવા મળી છે.
​​​​​​​પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
​​​​​​​
બીજી તરફ ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાના સોલૈયા ગામમાં બે ગાયોમાં શંકાસ્પદ વાયરસનાં લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોલૈયા ગામમાં જ લાલજીભાઈ ચૌધરીની ગાયને વાયરસનાં લક્ષણો જણાતા તેમણે પશુ તબીબને બોલાવી શંકાસ્પદ લમ્પી વાયરસ જેવું લાગતા તેની સારવાર કરાવી હતી.

બન્ને ગાયોમાં લમ્પી વાયરસ નથી: પશુ પાલન અધિકારી
આ અંગે પશુપાલન અધિકારી આર એસ પટેલે જણાવ્યું હતું કે, સોલૈયા ગામમાં બે ગાયોનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું. રસીકરણનાં કારણે ઘણીવાર ગાઢ જેવું થતું હોય છે. જ્યારે હાલમાં વરસાદી સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ મચ્છર કરડવાથી પણ આવું થતું હોય છે પણ બન્ને ગાયોમાં લમ્પી વાયરસ નથી.
​​​​​​​તકેદારીના ભાગરુપે રખડતા ઢોરો મામલે સંબંધિત તંત્રને જાણ કરાશે
વધુમાં તેમણે કહ્યું હતું કે, વાયરસ અંગે જન જાગૃત કેળવવા માટે વિવિધ સ્થળોએ બેનરો લગાવી દેવાયા છે. ઉપરાંત ગાંધીનગરનાં પશુ પાલકોને હાલ પૂરતું બહારગામથી પશુઓ નહીં ખરીદવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે તકેદારીના ભાગરુપે રખડતા ઢોરો મામલે સંબંધિત તંત્રને પત્ર લખીને તેના પર અંકુશ મેળવવા માટે કહેવામાં આવશે. ચોમાસાની ઋતુમાં પશુઓને ગરમ પાણીમાં લીમડો ઉકાળીને નહવડાવવા તેમજ લીમડાનો ધુમાડો કરવાની પણ પશુ પાલન અધિકારીએ સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...