શંકાસ્પદ મોત:કલોલમાં સોનાના દાગીના ઘડનાર કારીગરનું શંકાસ્પદ મોત, વેપારીઓએ પોલીસને બોલાવી દુકાનનું તાળુ તોડી લાશ શોધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • મૃતક પાસેથી લાખોની રોકડ - કાચું સોનું ગાયબ થતા વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા

ગાંધીનગર કલોલ શહેરમાં આવેલ BT મોલ - 1 ખાતેની દુકાનમાંથી સોનાનાં દાગીના ઘડનાર પરપ્રાંતીય કારીગર પ્રભાકર નાંગરેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક તેના બે મિત્રો સાથે કલોલના સોનાના વેપારીઓ સાથે કાચા સોનામાંથી દાગીના બનાવી આપવાનો વ્યવસાય કરતો હતો. મૃતક પાસેથી લાખોની રોકડ - કાચું સોનું ગાયબ થઈ જતાં ચિંતાતુર બનેલા વેપારીઓએ પોલીસને બોલાવીને દુકાનનું તાળુ તોડતા અંદરથી લાશ મળી આવી હતી. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા દસેક વર્ષથી કલોલ શહેરમાં આવેલ BT મોલ - 1 ખાતે પ્રભાકર નાંગરે, શ્રીમંતો દાસ, અને ભોલુ બંગાળી સોનું ગાળીને દાગીના બનાવવાનો ધંધો કરે છે. જેનાં કારણે કલોલ સોની બજારના સોનીઓ દ્વારા આ ત્રણેય મિત્રોને સોનાના દાગીના બનાવવા તેમજ કાચું સોનાના કામ આપવામાં આવતા હતા. પ્રભાકર દાગીના બનાવવાની સાથે અત્રેના વેપારીઓના કાચા સોનું તેમજ રૂપિયા અમદાવાદથી લઈ આવવાનું પણ કામ કરતો હતો.

ગઈકાલે પ્રભાકર દસેક વેપારીઓના રૂપિયા તેમજ અંદાજીત છસ્સો ગ્રામ સોનું અમદાવાદથી લઈ આવ્યો હતો. જેથી વેપારીઓ તેની રાહ જોઈને બેસી રહ્યા હતા. પરંતુ આ વખતે પ્રભાકર સમયસર નહીં આવતાં વેપારીઓએ તેની શોધખોળ આદરી હતી. આ દરમિયાન ત્રણ મિત્રો પૈકીનો ભોલુ બંગાળી દુકાને ગયો હતો. જ્યાં પ્રભાકરને શંકાસ્પદ હાલતમાં પડેલો જોઈ ગયો હતો. આથી શ્રીમંતોએ કહેલું કે રોજની જેમ પ્રભાકર દારૂ પી ગયો છે.એટલે ભોલુ બંગાળી ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, મોડી સાંજ પડવા છતાં પ્રભાકરનો પત્તો ના લાગતા વેપારીઓએ આસપાસનાં વિસ્તારમાં શોધખોળ ચાલુ રાખી હતી. એ દરમિયાન ભોલુ બંગાળી વેપારીઓને મળી ગયો હતો. જેણે પ્રભાકર દારૂ પીને દુકાનમાં પડ્યો હોવાનું કહ્યું હતું. આથી વેપારીઓની હાજરીમાં ભોલુએ શ્રીમંતોને ફોન કર્યો હતો. ત્યારે શ્રીમંતોએ ભોલુને પૂછ્યું હતું કે તે બધાને કહી દીધું.

આથી કઈ ગડબડ હોવાનો અંદાજો આવી જતાં સોનાના વેપારીઓ BT મોલ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં શ્રીમંતો દુકાનને તાળું મારી ફરાર થઈ ગયો હતો. બાદમાં વેપારીઓએ પોલીસને બોલાવીને દુકાનના શટરનું તાળું તોડયું હતું. જ્યાં દુકાનની પાર્ટીશન વાળા દરવાજાને ખોલતાં જ પ્રભાકર શંકાસ્પદ રીતે મરણ ગયેલી હાલતમાં પડ્યો હતો. પરંતુ પ્રભાકર પાસેથી લાખો રૂપિયા તેમજ સોનું મળી નહીં આવતાં વેપારીઓનાં જીવ તાળવે ચોંટી ગયા છે.

બાદમાં મૃતકની લાશનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરાવી કલોલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકોની પૂછતાંછ શરૂ કરાઈ છે. આ અંગે કલોલ શહેર પોલીસ મથકના ફોજદાર ઉન્નતિબેન પટેલે જણાવ્યું હતું કે, દુકાનમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. જેનું પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લેવામાં આવી છે. જેનાં રિપોર્ટના આધારે માલુમ પડશે કે પ્રભાકરનું મોત કેવી રીતે થયું છે. પ્રભાકર અમદાવાદ જવાનો હતો પણ કોઈ કારણસર ગયો ન હતો. હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. એફએસએલનાં રિપોર્ટમાં હત્યા થયાનું જણાઈ આવશે તો 302 હેઠળ પણ ગુનો દાખલ કરાશે.

સોનાના દાગીના બનાવનાર કારીગરના શંકાસ્પદ મોત પ્રકરણમાં મૃતકનો મિત્ર શ્રીમંતો દાસ (વેસ્ટ બંગાલ) નાટયાત્મક રીતે પોલીસ મથકે હાજર થઈ ગયો છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રીમંતો દાસ પોલીસ મથકમાં હાજર થઈ ગયો છે. સોની બજારના વેપારીઓનાં પૈસા અને સોનું ગુમ થવા બાબતે પોલીસ સમક્ષ રજૂઆત પણ કરાઈ છે. શ્રીમંતો દાસ, મૃતક પ્રભાકર અને ભોલુ બધા સાથે જ BT- 1 મોલની દુકાનમાં સોનાના દાગીના ઘડવાનું કામ કરે છે. શ્રીમંતો દાસ દુકાનને બહારથી તાળું મારીને નાસી ગયો હતો. જ્યારે વેપારીઓએ દુકાનનું તાળુ તોડી તપાસ કરતા પ્રભાકરની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

મૃતકના મિત્ર શ્રીમંતો દાસને શરૂઆતથી પોલીસ શોધી રહી હતી. જો કે તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. જેણે દુકાનમાં એક લાખ છુપાવેલા તેમજ અન્ય 80 હજારનો હિસાબ પણ પોલીસને આપી દીધો છે.આ અંગે કલોલ પોલીસ મથકના પીઆઈ ઉન્નતિબેન પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં શ્રીમંતો મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ છે. જેની પૂછતાંછ ચાલી રહી છે. પૈસા બાબતે હજી કોઈ નક્કર માહિતી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...