તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્ય જાણવા કવાયત:સુરેન્દ્રનગર ભાજપના અગ્રણીએ ગાંધીનગરમાં કરેલી આત્મહત્યા મામલામાં પોલીસે નવેસરથી તપાસ શરૂ કરી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક લખવાની ટેવ ધરાવતા નહીં હોવાથી સ્યુસાઇડ નોટ કોણે લખ્યાનું કોકડું ગૂંચવાયુ

ગાંધીનગરનાં ચીલોડાની હોટલમાં જુલાઈ મહિના ની શરૂઆતમાં સુરેન્દ્રનગર ભાજપના નેતા ઝીણાભાઈ ડેડવારિયાએ સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ પ્રકરણમાં મૃતકના પરિવારજનોની પૂછતાંછમાં મૃતક બહુ લખવાની ટેવ ધરાવતા ન હોવાથી સ્યુસાઇડ નોટ કોણે લખ્યાનું કોકડું વધુ ગૂંચવાયુ છે. જેનાં પગલે પોલીસે મૃતકના ભૂતકાળના લખાણ અને સ્યુસાઇડ નોટનાં લખાણ ની ખરાઈ કરવા ફરીવાર નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરના ચિંલોડા છાલા પાસેની હોટલ માં ઝેરી દવા પી 55 વર્ષીય સુરેન્દ્રનગર ચોટીલા ભાજપ અગ્રણી ઝીણાભાઈ ડેડવારિયાએ જુલાઈ મહિનાની શરૂઆતમાં આપઘાત કરી લીધો હતો. તે વખતે તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર હૂદડ દ્વારા હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેનાં પગલે ઝીણાભાઈએ મરતા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ તેમજ ઝેરી દવાની પડીકી પણ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં લાખો રૂપિયાની ઉઘરાણી તેમજ પૂર્વ ભાજપનાં ધારાસભ્યનું નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો.

સુરેન્દ્રનગર ચોટીલાનાં ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા નવેક દિવસ અગાઉ ગાંધીનગર આવ્યાં હતાં. અને ચિંલોડા પોલીસ મથકની હદમાં આવેલ છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડી વાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો.તે વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. જેમનું ગાંધીનગર સિવિલમાં બીજા દિવસે મોત નીપજ્યું હતું.

તે વખતે પોલીસ દ્વારા કોઈ કારણોસર સ્યુસાઇડની વિગતો જાહેર નહીં કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સ્યુસાઇડ નોટ તેમજ વિશેરા પૃથક્કરણ અર્થે મોકલી આપી FSL નો અભિપ્રાય આવ્યા પછી જ આગળ નિષ્કર્ષ નીકળશે તેમ કહેવાયું હતું. ત્યારે હવે આ આપઘાત પ્રકરણમાં ચીલોડા પોલીસ ધ્વારા નવેસરથી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે ચીલોડા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્રકરણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકના પરિવારજનોની જરૂરી પૂછતાંછ કરતાં જાણવા મળ્યું છે કે ઝીણાભાઈ સામાન્ય રીતે બહુ લખાણ પટ્ટી કરતા ન હતા. જેનાં કારણે મળી આવેલ સ્યુસાઇડ નોટ નાં લખાણની ખરાઈ કરવા માટે ઝીણાભાઈએ ભૂતકાળમાં લખેલ કોઈપણ લખાણ, સહી સહિતના કુદરતી લખાણ મેળવીને FSL માં પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા છે.

ઉપરાંત તેમના શરીરમાંથી લીધેલા વિશેરા તેમજ ઝેરી દવાની પડીકીનાં અવશેષો એક જ છે કે નહીં તેની પણ FSL મારફતે તપાસ કરાવવામાં આવી રહી છે. સૌ પ્રથમ સ્યુસાઇડ નોટ તેમજ વિશેરા રિપોર્ટના આધારે સ્યુસાઇડ નોટની સત્યતા બહાર લાવવામાં આવશે. હાલમાં મૃતકના પરિવારજનોનાં નિવેદનનો પણ નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસો માં FSL રિપોર્ટ આવ્યા પછી સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે અને મૃતક દ્વારા સ્યુસાઇડ નોટમાં લખાયેલા નામો પણ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...