લાખોની છેતરપિંડી:માણસાના વેપારી પાસેથી ટપક સિંચાઈ પદ્ધતિની પાઇપોનો જથ્થો મેળવી સુરતના એજન્ટે 11.12 લાખનું ફુલેકું ફેરવ્યું

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 500 મીટરની 400 નંગ પાઇપોની ડીલીવરી મળ્યા પછી હાથ અધ્ધર કરી દીધા

માણસાનાં લીંબોદરા પાસેની અર્થ ઇરિગેશન સિસ્ટમ કંપનીના માલિક સાથે વિશ્વાસ સંપાદન કરી સુરતના એજન્ટે ટપક સિંચાઈ પદ્ધતિ માટેની પાઇપોનો જથ્થો મેળવ્યા પછી તેના બીલ પેટેનાં રૂ. 11 લાખ 12 હજાર નહીં ચૂકવી છેતરપિંડી આચરવા બાબતે માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

માણસાનાં લીંબોદરા બસ સ્ટેન્ડ પાસે અર્થ ઇરિગેશન સિસ્ટમ કંપની મનીષભાઈ રમેશભાઈ વવૈયા ભાગીદારીમાં ચલાવે છે. જેનાં માર્કેટિંગ મેનેજર તરીકે જીગ્નેશ રમેશ ભાઈ વવૈયા છે. જ્યારે કંપનીનું ગોડાઉન તાપીમાં આવેલું છે. જેનાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે ઉપેન્દ્રભાઈ રાજપૂત કામકાજ સંભાળે છે.

આ ગોડાઉન ઉપર સુરતનાં કોસાડ સંસ્કૃત એવન્યુમાં રહેતો પ્રવીણ મનસુખભાઈ ગજેરા ગયો હતો. અને ઉપેન્દ્રભાઇને મળીને પોતાની ઓળખાણ ઇરિગેશન પાઇપોના એજન્ટ તરીકે આપી હતી. તેમજ અર્થ કંપનીની પાઇપો ગમી ગઈ હોવાનું કહી ઓર્ડર આવશે તો કહેશે એમ જણાવ્યું હતું.

આથી ઉપેન્દ્રભાઈએ તેને કંપનીના માર્કેટિંગ મેનેજર સાથે સંપર્ક કરવા કહ્યું હતું. બાદમાં પ્રવીણ ગજેરાએ માર્કેટિંગ મેનેજર જીગ્નેશભાઈને 11 મી ઓક્ટોબર 2021 ના રોજ ફોન કરીને ટપક સિંચાઈ પદ્ધતિની 500 મીટરના 400 નંગ એટલે કે 2 લાખ મીટર પાઇપોનો ઓર્ડર આપ્યો હતો. જેનાં જીએસટી સાથેના બિલ પેટે રૂ. 11 લાખ 12 હજાર નક્કી થયા બાદ ઉક્ત જથ્થો નર્મદા ખાતે સીતારામ વસાવાના ત્યાં ઉતારવામાં આવ્યો હતો.

જે પૈસા બપોર સુધીમાં ચૂકવી દેવા માટે પ્રવીણ ગજેરાએ તે વખતે બાંહેધરી પણ આપી હતી. જે પછી અનેક ફોન કર્યા છતાં પ્રવીણે ગલ્લા તલ્લાં કરીને અંતે ફોન ઉપાડવાનાં બંધ કરી દીધા હતા. જે પૈસા આજદિન સીધું ચૂકવી નહીં આપતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં મનીષભાઈએ માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...