આપ નેતા ઇસુદાનને જામીન:દિલ્હીથી આવેલા સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાનને છોડાવ્યા, પાર્ટીના નેતા માટે કેજરીવાલે દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • આપ મહામંત્રી મનોજ સોરઠિયા જામીનદાર થયા
  • ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
  • 12 દિવસ સુધી જેલમાં રહી ઇસુદાન ગઢવી તાજેતરમાં જ બહાર આવ્યાં છે

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 500 કાર્યકરોના ટોળા સાથે દંગલ મચાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જામીનલાયક પ્રોહીબીશનના ગુનામાં ઇસુદાનને છોડાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલને ગાંધીનગર મોકલ્યા હતા. ઇસુદાન ગઢવી વકીલ અને જામીનદાર સાથે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હાજર થયા હતા, જ્યાં ઇસુદાનની ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં પાંચ હજારના બોન્ડ પર જામીન મેળવ્યા છે.

મારો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ થતાં દિલ્હીથી અમારી લીગલ ટીમ આવી: ઇસુદાન ગઢવી
જામીન મળ્યા બાદ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 13 દિવસ જેલમાંથી વનવાસ ભોગવી અમે બહાર આવ્યા તે યુવાનો માટેની લડાઇ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ મને મીડિયા દ્વારા જાણ થઇ કે મારો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને આશ્ચર્ય થયુ કે જીવનમાં મે ક્યારેય દારૂ પીધો નથી તો રિપોર્ટ પોઝિટિવ કઇ રીતે આવે? પણ ત્યાં સુધી એફઆઇઆર થઇ ગઇ હતી. જે અમારી લીગલ ટીમને જાણ થતાં તે પણ દિલ્હીથી આવી મે એમને મળીને કહ્યું કે પોલીસની કામગીરીને સહયોગ આપીશું, આપડે રીઢા ગુનેગાર નથી એટલે પોલીસ કદાચ લેવા ના પણ આવે, પરંતુ આપડે સામેથી જઇશું.

4:15 વાગ્યે કાનુની કાર્યવાહી કરી આઇઓએ મને જામીન આપ્યાં: ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, સવારે મિંટિંગ કરીને અમે પ્રેસ કોંન્ફરન્સ કરી અને એસપી સાહેબને લેખિતમાં જણાવ્યું કે તમારી તપાસને સહયોગ આપવા માટે અમે આવીયે છીએ. આ પ્રમાણે નક્કી કર્યા બાદ અમે 1:40 વાગ્યે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારબાદ મારી ધરપકડ કરવામાં આવી અને 4:15 વાગ્યે કાનુની કાર્યવાહી કરી આઇઓએ મને જામીન આપ્યાં હતા. અમારી લડાઇ યુવાનો માટેની છે, જે અમે લડતા રહીશુ.

ભાજપાના નેતાએ છેડતીનો આક્ષેપ કર્યો હતો
20મી ડિસેમ્બરના રોજ પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયાં, શિવકુમાર, પ્રવીણ રામ, નિખિલ સવાણી તેમજ હસમુખ પટેલની આગેવાની 500 માણસોનું ટોળું ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમમાં ધસી ગયું હતું અને ગેટ તોડી નાંખી આખા પ્રદેશ કાર્યાલયને બાનમાં લઈ લીધું હતું. જેમાં ભાજપાના નેતાએ છેડતીનો આક્ષેપ પણ કર્યો હતો.

ઇસુદાન ગઢવીનો સિવિલમાં આલ્કોહોલનો રિપોર્ટ કરાયો હતો
આ ઘટનાને લઇ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાર્યકરો તેમજ પોલીસ ઉપર હૂમલો કરી પોલીસની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. જેમાં ભાજપના શ્રદ્ધા રાજપુતે દારૂના નશામાં છેડતીનો આક્ષેપ કરી ફરિયાદના કરતાં ઈન્ફોસિટી પોલીસમાં ઉક્ત નેતાઓ સહિત 500 માણસોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી લેવાઈ હતી. ત્યારે ઈસુદાન ગઢવી દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ થતાં પોલીસે તેમનો ગાંધીનગર સિવિલમાં આલ્કોહોલનો રિપૉર્ટ કરાવ્યો હતો.

શનિવારે ઈસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગંભીર ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ થયો હોવાથી આમ આદમી પાર્ટીના નેતાઓને 12 દિવસ સુધી જેલની હવા ખાવાનો વખત આવ્યો હતો. તાજેતરમાં જ આપ નેતાઓનો છુટકારો થયો હતો. બીજી તરફ શનિવારે ઈસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ હોવાનું પુરવાર થયું હતું. જેમાં ઈસુદાન ગઢવીનાં બ્લડ સેમ્પલમાંથી 0.0545ના સ્કોર સાથે આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના વકીલે ઇસુદાન ગઢવીનો જામીન પર છુટકારો કરાવ્યો
આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ઈસુદાન ગઢવી વિરુદ્ધમાં આઇપીસી કલમ 66(1)(b) અને 85(1) હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો. જેનાં પગલે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ ઋષિકેશ કુમારને ગાંધીનગર મોકલી જામીન પર ઇસુદાન ગઢવીનો છુટકારો કરાવ્યો છે.

રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શંકા છે: ઇસુદાન ગઢવી
આજે ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે રિપોર્ટ સામે શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું મેં ક્યારેય દારૂ પીધો નથી. ભાજપના મહિલા કાર્યકર 20 ફૂટ છેટાં હતાં છતાં છેડતીની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં મને શંકા છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે. ભાજપની સરકાર જ છે.

અન્ય સમાચારો પણ છે...