જિલ્લા પંચાયત સેવાની 14 કેડરોના 19 જેટલા પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. આથી તલાટી કમ મંત્રી કર્મચારીઓની ધીરજ ખુટી પડતા તારીખ 2જી, ઓગસ્ટના રોજ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. આ હડતાલને પંચાયત સેવા વર્ગે પણ ટેકો જાહેર કર્યો હોવાથી તારીખ 2જી ઓગસ્ટના રોજ જિલ્લા પંચાયત કચેરીઓ કર્મચારીઓ વિના ચાલુ રહેશે.
ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો ઉકેલવામાં રાજ્ય સરકારે રસ જ હોય નહી તેમ છેલ્લા ઘણાં સમયથી પ્રશ્નો વણઉકેલ્યા જ રહ્યા છે. આથી તલાટી કમ મંત્રી કર્મચારીઓની ધીરજ ખૂટી પડતા કર્મચારીઓએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આર યા પારની લડાઇ લડી લેવાના મૂડમાં હોય તેમ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે આગામી તારીખ 2જી, ઓગસ્ટના રોજ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. તલાટીઓના પ્રશ્નોમાં પંચાયત વિભાગની અન્ય વિભાગની વધારાની કામગીરી આપવી નહી. ઉપરાંત વધારાનું ખાસ ભથ્થું આપવું.
દ્વિતીય પગાર ધોરણની પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતાની તારીખથી મંજુર કરવું. મહેસુલી તલાટીને પંચાયત તલાટી મંત્રીમા મર્જ કરવું કે જોબચાર્ટ અલગ કરવાની માંગણીનો ઉકેલ આવ્યો નથી. ઉપરાંત ઉચ્ચત્તર પગાર ધોરણ માટે લેવામાં આવતી પરીક્ષા રદ કરવામાં આવે સહિતની માંગણીઓના ઉકેલ માટે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા ગત તારીખ 7મી, સપ્ટેમ્બર-2021થી લેખિત રજુઆત કરવામાં આવી રહી છે.
તેમ છતાં હજુ સુધી કોઇ જ નક્કર નિર્ણય લેવામાં નહી આવતા તલાટી કમ મંત્રી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામશે. તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલને ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે સમર્થન આપીને જણાવ્યું છે કે 14 જેટલા કેડરોના 1થી 19 જેટલા પ્રશ્નોનો ઉકેલ નહી આવતા કર્મચારીઓમાં આક્રોશ ઉઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.