આત્મહત્યા:ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેન પાવર એજન્સીના સુપરવાઇઝરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની બે દીકરીઓને લઈને શામળાજી ખાતે લગ્નમાં ગઇ અને પતીએ ઘરે આત્મહત્યા કરી
  • પરિવારજનો આવે પછી પૂછતાંછ કરીને મોતનું કારણ જાણવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેન પાવર એજન્સીનાં સુપરવાઇઝરે પોતાના વાવોલના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. જ્યારે તેની પત્ની બે દીકરીઓને લઈને શામળાજી ખાતે લગ્નમાં ગઈ હોવાની વિગતો સાંપડી રહી છે.

ગાંધીનગરના વાવોલ ઠાકોર વાસમાં રહેતા આશરે 35 વર્ષીય દિનેશભાઈ રૂપાભાઈ ખાંટનાં પરિવારમાં પત્ની હિરલ અને બે દીકરીઓ છે. દિનેશભાઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેન પાવર એજન્સી રાજદીપ એન્ટરપ્રાઈઝમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.

શામળાજી ખાતે લગ્ન પ્રસંગ હોવાથી તેમની પત્ની હિરલ બે દીકરીઓ સાથે ત્યાં ગયેલી છે. જ્યારે દિનેશભાઈ 22 મી જાન્યુઆરીએ લગ્નમાં હાજરી આપવા માટે જવાના હતા. આજે તેમનો ભાણીયો તેમજ એક સ્વીપર તેમના ઘરે ગયા હતા. ત્યારે દિનેશભાઈ ઓસરીમાં છતના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

બાદમાં બનાવની જાણ થતાં વાવોલ પોલીસ ચોકીના પીએસઆઇ ડી એમ પરમાર સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે પીએસઆઇ પરમારે જણાવ્યું હતું કે, હજી મૃતકના પરિવારજનો આવ્યા ન હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેની પત્ની સહિતના પરિવારજનો આવે પછી પૂછતાંછ કરીને મોતનું કારણ જાણવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ ગાંધીનગર સિવિલના બ્રધરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેનાં થોડા દિવસ પછી એનેસ્થેટિક ડોક્ટરે પણ આપઘાત કરી લીધો હતો. હવે સિવિલના સુપરવાઇઝરે પણ આપઘાત કરી લેતાં કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...