તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો વળાંક:ગાંધીનગરની હોટલમાં ઝેરી દવા પી ચોટીલાના ભાજપના નેતાનાં આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટ મળી આવ્યાનો ઘટસ્ફોટ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખો રૂપિયાની લેતીદેતી તેમજ પૂર્વ ધારાસભ્યનાં નામનો ઉલ્લેખનો ગણગણાટ

ગાંધીનગરના ચિંલોડા છાલા પાસેની હોટલમાં ઝેરી દવા પી 55 વર્ષીય ચોટીલાના ભાજપના નેતા ઝીણાભાઈ દેરવાલિયાના આપઘાત પ્રકરણમાં સ્થાનિક પોલીસને હોટલમાંથી ઝેરી દવાની પડીકી તેમજ સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની વિગતો સાપડી રહી છે. ત્યારે સ્યુસાઇડ નોટમાં લાખો રૂપિયાની ઉઘરાણી તેમજ પૂર્વ ભાજપનાં ધારાસભ્યનું નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જોકે, નવેક દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસ તપાસમાં કોઈ ફળદાયી હકીકત બહાર આવવા પણ પામી નથી.

ગાંધીનગરનાં ચિંલોડા છાલા પાસેની હોટલમાં 55 વર્ષીય ઝીણાભાઈ દેરવાલિયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેઓને મોડી રાત્રે રોહિતભાઈ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના ચોટીલાનાં ઝીણાભાઈ નાઝાભાઈ દેરવાલિયા નવેક દિવસ અગાઉ ગાંધીનગર આવ્યાં હતાં અને ચિંલોડા પોલીસ મથકની હદમાં આવેલા છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડી વાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. તે વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. જેનાં પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં રોહિતભાઈ તેઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા અને બીજા દિવસે તેમનું અવસાન થયું હતું.

સુરેન્દ્રનગરના ચોટીલાનાં ભાજપ નેતા ઝીણાભાઈ દેરવાલિયા મોત પ્રકરણમાં ચિંલોંડા પોલીસ મથકના ઇન્સ્પેકટર આઈ એમ હૂદડ દ્વારા તપાસનો દોર હાથ ધરી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ શરૂ કરાઈ હતી. તે વખતે પોલીસે હોટલના રૂમની તલાશી લેતાં ઝેરી દવાની પડીકી તેમજ એક સ્યુસાઇડ નોટ મળી આવી હોવાના અહેવાલો સામે આવી આવી રહ્યા છે.

ઉપરાંત ઝીણાભાઈ જે હોટલમાં રોકાયા હતા તે રૂમની ફોરેન્સિક સાયન્સની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ પંચનામું સહિત હોટલના કર્મચારીઓનાં નિવેદન નોંધવાની કાર્યવાહી કરાઇ હતી. બાદમાં પરિવારજનો મૃતકનો મૃતદેહ અંતિમ ક્રિયા અર્થે વતન ચોટીલા લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ આપઘાત પ્રકરણમાં તપાસ અધિકારીને સ્યુસાઇડ નોટ તેમજ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવા બાબતે પૂછવામાં આવતા તેમણે તપાસ ચાલુ હોવાનું કહી દુષ્પ્રેરણ ગુનો બનતો હશે તો ફરિયાદ દાખલ કરીશું તેવું કહી આડકતરી રીતે સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાની વાતનો એકરાર કરી કાયદાકીય રીતે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવાઈ હોવાનું વધુમાં જણાવાયું હતું. હાલમાં કેસની તપાસને અસર થવાની સંભાવના વ્યક્ત કરી તપાસ અધિકારીએ પરિવારજનોનાં નિવેદન આગામી દિવસોમાં લેવા સુરેન્દ્રનગર જવામાં આવશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...