વડાપ્રધાન મોદીએ ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા આપેલા વિઝનને સાકાર કરવા ગુજરાતો રોડમેપ તૈયાર કરવા માટે નિવૃત્ત કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષતાને રચાયેલી ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે.
ટાસ્કફોર્સે કરેલા સૂચન મુજબ ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકો વર્ષ 2026-27માં સિદ્ધ કરવા હોય તો ગુજરાતે તેના આર્થિક વિકાસને વધુ વેગ આપવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં વર્ષ 2021માં ગુજરાતનો હિસ્સો 8.36 ટકા છે તે વધારીને 10 ટકા સુધી લઇ જવાનો રહે. જેનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં હવે પછીના 5 વર્ષનો કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5 ટકા હોવો જરૂરી છે. જે છેલ્લા દાયકામાં 12.3 ટકા રહ્યો હતો જેથી તેમાં 2.2 ટકાનો વધારો થવો જોઇએ.
હસમુખ અઢિયા ટાસ્કફોર્સ દ્વારા કુલ 9 નવા આર્થિક ક્ષેત્રોની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કરાયું છે જેમાં ગ્રીન અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંંગ, ટેક્નોલોજીનો ઉપયોગ, સચોટ પદ્ધતી અને કાર્યરીતિ જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે જરૂરી છે તેના પર ભાર મૂકાયો છે.
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ કુલ 5થી 6 પ્રવાસન ક્લસ્ટરને વિકસાવવા ઉપરાંત આઇટી, ટૂરિઝમ અને અન્ય ક્ષેત્રોમાં મૂડીરોકાણ આકર્ષવા, 4થી 5 મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટીવિટી સુધારવાના પ્રયત્નો કરવાનું સૂચન કરાયું છે. સાથે ગિફ્ટ સિટીની જેમ અન્ય વર્લ્ડ ક્લાસ શહેરી કેન્દ્રો વિકસાવવાની જરૂરિયાત ઉપરાંત શહેરી વિસ્તારોમાં મેટ્રો રેલ, રિંગરોડ, અર્બન માસ ટ્રાન્સપોર્ટ અને અર્બન હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક મૂડીરોકાણની જરૂરિયાત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.