તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડો. મલ્લિકા સારાભાઈની ફરિયાદ:ગાંધીનગરની સાબરમતી નદીમાં રેતીનું ગેરકાયદે ખનન અટકાવવા ખાણખનીજ વિભાગમાં રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેત માફિયાઓએ નદીમાં 40 ફૂટ સુધી ખનન કરી નાખતા ફરિયાદ

ગાંધીનગરનાં પેથાપુર ગામ નજીક ફતેપુરા પાસે આવેલ પોતાના ફાર્મ હાઉસ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં રેત માફિયાઓ દ્વારા 40 ફુટ સુધીનું રેત ખનન કરી નાખ્યું હોવાથી આવી પ્રવૃતિઓ પર રોક લગાવવા માટે ડો. મલ્લિકા સારાભાઈ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

ભારતના ટોચના અવકાશ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના પુત્રી ડો. મલ્લિકા સારાભાઈ ગુજરાત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે. તેઓ ફિલ્મોમાં તેમજ નાટકોમાં અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એનાયત થયો છે. જેઓ ગાંધીનગરનાં પેથાપુર ગામ ફતેપુરામાં ફાર્મ હાઉસ ધરાવે છે.

ડો. મલ્લિકા સારાભાઈના ફાર્મ હાઊસ નજીકથી જ રેતી ચોરી
સાબરમતી નદીના પટ પાસે પદ્મભૂષણ ડો. મલ્લિકા સારાભાઈ નું ફાર્મ હાઉસ આવેલું છે એ બહુ ઓછા લોકો જાણે છે. તેમના ફાર્મ હાઉસ નજીક આવેલી સાબરમતી નદીમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા બેરોકટોક રીતે નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. સંબંધિત તંત્ર તેમજ પોલીસની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી ભૂમાફિયાઓએ એટલી હદે નદીમાં ખોદકામ કરી રેત ખનન કરવામાં આવ્યું છે કે અહીં રીતસરનાં 40 ફૂટના ઊંડા ખાડા થઈ ગયા છે. તેમ છતાં ખાન ખનિજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરી ગેરકાયદેસર ચાલતી રેત ચોરીની પ્રવૃતિ પર અંકુશ મેળવવામાં આવતો નથી.

થોડા દિવસ પહેલા પણ રેતી ચોરી મામલે ફરિયાદ થઈ હતી
થોડા વખત અગાઉ નોબલનગર નરોડાનાં મહેન્દ્રસિંહ ચાવડાએ પણ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગમાં ફરિયાદ કરવામાં આવેલી કે ફતેપુરા સર્વે નંબર 3013, 14,16 માં આવેલ કાર્તિકેય સારાભાઈનાં ફાર્મ હાઉસની પાછળના ભાગમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેત ખનન થઈ રહ્યું છે. જેનાં પગલે સંબંધિત ટીમ સ્થળ પર પહોંચી હતી પરંતુ તે વખતે કોઇ કારણોસર રેત ખનન કરનારા ઈસમો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

તે વખતે તપાસ ટીમે પૂછપરછ કરતાં મહેન્દ્ર સિંહે લેખિતમાં નિવેદન આપ્યું હતું કે ફતેપુરા ગામના બનાજી ગાંડાજી ઠાકોર દ્વારા રેતીખનનની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. ત્યારે તપાસ ટીમ ફરીવાર આવી કોઈ પ્રવૃતિ થાય તો જાણ કરવાનું કહી રવાના થઈ ગઈ હતી. બીજી તરફ અત્રેની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેત ખનન સતત ચાલુ રાખવાનાં કારણે 40 ફુટ સુધીના ખાડા પડી જવા પામ્યા છે. જેનાં પગલે પદ્મભૂષણ ડો. મલ્લિકા સારાભાઈને પણ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ માં લેખિતમાં ફરિયાદ કરી રેત ચોરીની પ્રવૃતિ પર રોક લગાવવા માટે રજૂઆત કરવાની ફરજ પડી છે.

ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિ પર રોક લગાવવા ગ્રામજનોની માંગ
નોંધનીય છે કે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પટ ઇન્દ્રોડા, બોરીજ, ચિંલોડા, કોબા નભોઈ તેમજ શાહપુર સહિતના ગામોમાં બેફામ રીતે રેતી ચોરીનું મસમોટુ ગેરકાયદેસર નેટવર્ક ભૂમાફિયાઓ ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં તંત્ર ધ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સમયાંતરે વ્યાપક બૂમરાણ ઉઠે ત્યારે તંત્ર ધ્વારા કડક કાર્યવાહી કર્યા પછી થોડા સમય માટે ભૂ માફિયા ભૂગર્ભમાં જતાં રહેતાં હોય છે. અને જેવી પરિસ્થિતિ થાળે પડી જાય ત્યારે ફરી પાછી રેત ખનનની પ્રવૃતિઓ બેફામ બેરોકટોક રીતે શરૂ કરી દેવામાં આવતી હોય છે. આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોમાં પણ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...