રજૂઆત:પેથાપુર સહિતના આસપાસના વિસ્તારોના એસટી બસના પ્રશ્નો હલ કરવા રજૂઆત

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોને ગામમાં જવા ખાનગી વાહનોમાં જવાની ફરજ પડે છે
  • પેથાપુર ગામમાં બસ આવે તેવી માંગણી સાથે એસ ટી નિગમમાં ફરિયાદ

પેથાપુરને મનપામાં સમાવેશ કર્યા બાદ પણ બસ સેવાને લઇને પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે. ઉત્તર ગુજરાત તરફ જતી તમામ બસો પેથાપુર ગામમાં જ આવતી નહી હોવાથી સ્થાનિક લોકોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડે છે. આથી બસની સમસ્યાને દુર કરવા માટે પેથાપુર એસ ટી બસ પેસેન્જર એસોસિએશને નિગમના મેનેજીંગ ડિરેક્ટરને લેખિત રજુઆત કરી છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં પેથાપુરનો સમાવેશ કરાયો છે. પરંતુ લોકોને સ્પર્શતા પ્રશ્નો નહી ઉકેલાતા સ્થાનિક લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તેમાંથી ગાંધીનગરથી ઉત્તર ગુજરાત તરફ જતી અને ઉત્તર ગુજરાતથી અમદાવાદ તરફ જતી તમામ બસો પેથાપુર ઉપરથી જ પસાર થાય છે. તેમ છતાં બસો ગામમાં આવતી નથી.

આ ઉપરાંત પેથાપુરમાંથી કેટલી બસો આવે છે અને કેટલી જાય તેની માહિતી સ્થાનિક લોકોને મળી રહે તે માટે બસના સમય પત્રકમાં તેનો ઉલ્લેખ કરવો જોઇએ. વધુમાં બસના રૂટ બોર્ડમાં પેથાપુર ગામ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. એસ ટી નિગમે પેથાપુરમાં કંટ્રોલ પોઇન્ટ ઉભો કર્યો છે. પરંતુ હિંમતનગર વિભાગ, અમદાવાદ વિભાગ, નડિયાદ વિભાગ, પાલનપુર વિભાગ તેમજ મહેસાણા વિભાગની બસોને પેથાપુર ગામમાંથી લઇ જવાનો આદેશ હોવા છતાં તેની અમલવારી નહી થતી હોવાનો આક્ષેપ પેથાપુર એસ ટી બસ પેસેન્જર એસોસિએશનને કર્યો છે.

નગરના એસ ટી બસ ડેપોમાં અવાર નવાર મુસાફરોના ખિસ્સા કે થેલામાંથી વસ્તુઓની ચોરીના બનાવો બની રહ્યા હોવા છતાં પોલીસ પોઇન્ટ કે ચોકીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી શહેરી બસ સેવાને પેથાપુર ચોકડીને બદલે ગામમાં લાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ચરેડી પીકઅપ સ્ટેન્ડ હોવા છતાં બસોને ઉભી રાખવામાં આવતી નથી. ઉપરાંત ભાડા પત્રકમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહી. ગાંધીનગરથી અમદાવાદની બસ સેવામાં પ્રેમ દરવાજાનું સ્ટેન્ડ બનાવીને મુસાફરોને લેવા તેમજ ઉતારવાની માંગણી મુસાફરોમાં ઉઠી છે.

પેથાપુર એસ ટી બસ પેસેન્જર એસોસિએશન દ્વારા મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમમાં રજુઆત કરી છે.ત્યારે આ બાબતે આગામી દિવસોમાં ગામના લોકોને ન્યાય મળે છે કે કેમ તે જોવાનું રહ્યુ હાલ લોકોને હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...