ગાંધીનગરના સેકટર -11 માં આવેલી સરકારી પથિકાશ્રમ હોટલને ખાનગી ધોરણે લોજિંગ અને બોર્ડિંગ માટે આપવાની ટેન્ડર પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી પુરાવા સાથે રાંધેજાનાં અરજદારે મુખ્યમંત્રી, માર્ગ મકાન મંત્રી તેમજ વિજીલન્સ સહીતના સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી છે.
ગાંધીનગરના રાંધેજાનાં મનીષ રમેશભાઈ ત્રિવેદીએ કથિત આક્ષેપો સાથે લેખિતમાં રજૂઆત કરી છે કે, પથિકાશ્રમ હોટલને ખાનગી ધોરણે લોજિંગ અને બોર્ડિંગ માટે ભાડાપેટે ચલાવવા માટેનું ટેન્ડર પાટનગર યોજના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 27 મી મે 2020 હતી.
આ ટેન્ડર પ્રક્રિયામાં તત્કાલીન ચીફ ઈજનેર પી એન ચૌધરીએ અંગત રસ લઈને પોતાની વગવાળી એજન્સીને ફાયદો કરાવવા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરી દીધો હતો. વધુમાં આ ટેન્ડર માટે જે બે એજન્સીએ ટેન્ડર ભર્યું હતું તેની પાસે હોટલ સંચાલનનો કોઈપણ જાતનો અનુભવ પણ નથી. તેમ છતાં પોતાની મળતિયા એજન્સીને કામ મળે તે હેતુથી જોઈન્ટ વેન્ચરની જોગવાઈ કરી દેવામાં આવી હતી. એમાંય વળી ટેન્ડરમાં જોઈન્ટ વેન્ચર માત્ર નામ પુરતું માત્ર 10 ટકા જેટલું રજૂ કર્યું છે.
આ ટેન્ડરમાં ભટોલ કન્સ્ટ્રક્શન દ્વારા ગાંધીનગરની હોટલ ગોકુલ સાથે જે જોઈન્ટ વેન્ચર કરાયું છે તેમાં હોટલ ગોકુળ માત્ર ડાઇનિંગ હોલ અને ગ્રેડ - 3 પ્રકારનું ગેસ્ટ ચલાવે છે. જેની પાસે બેંકવેટ કે પાર્ટી પ્લોટ નથી. તેમજ જે પી ઈન્ફ્રા દ્વારા ગાંધીનગર હોટેલસ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. જેમાં પણ પાર્ટી પ્લોટ નથી. વધુમાં અરજદારે ઉમેર્યું છે કે, ભટોલ કન્સ્ટ્રક્શન દ્વારા હોટલ ગોકુલ સાથે કરેલ જોઈન્ટ વેન્ચરમાં હોટલ ગોકુલના વાર્ષિક ટર્ન ઓવરમાં સી.એનું ખોટું સર્ટિફિકેટ મેળવીને વાર્ષિક ત્રણ કરોડ નું ટર્ન ઓવર બતાવવામાં આવ્યુ છે.
આ ઉપરાંત જોઈન્ટ વેન્ચરની બંને કંપની દ્વારા બેંક સોલ્વન્સી પણ ખોટી રજૂ કરીને ટેન્ડર મેળવવામાં આવ્યું છે. આથી આ ટેન્ડર રદ કરીને આ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહિતનાં વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.