નવતર પહેલ:GNLUનાં વિદ્યાર્થીઓ ગાંધીનગરની કન્સ્ટ્રક્શન સાઈટનાં શ્રમજીવીઓને અક્ષર જ્ઞાન આપશે

ગાંધીનગર18 દિવસ પહેલા

કાયદાના શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં પ્રખ્યાત ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રૌઢ શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં ગાંધીનગરની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરતા શ્રમજીવી મજૂરોને અક્ષર જ્ઞાન આપવાની શરૂઆત કરવામાં આવશે. હાલમાં યૂનિવર્સિટીનાં અદ્યતન કલાસ રૂમમાં અત્રે કામ કરતા વર્ગ-4ના કર્મચારીઓને ક, ખ, ગથી માંડીને પ્રાથમીક શિક્ષણ આપી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ યજ્ઞની ધૂણી ધખાવવામાં આવી છે. ત્યારે દેશની ખ્યાતનામ GNLU(ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી)નાં અદ્યતન કલાસ રૂમમાં ઢળતી ઉંમરનાં વિધાર્થીઓ પણ શિક્ષણ જ્ઞાન લેવામાં સારી એવી રુચિ દર્શાવી રહ્યા છે.

'ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે'
આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ. જ્ઞાનની મહત્તા તો પહેલાં પણ એટલી જ પ્રબર હતી જેટલી આજે છે. ભણેલ ગણેલ માણસોનું સમાજમાં વજન પડતું અને એટલે જ કહેવત પડી હશે "ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે." રાજા માત્ર પોતાના રાજ્યમાં જ માનપાન પામે છે અથવા પૂજાય છે પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે. વિદ્યાર્થી માણસ શોભે છે, અધિકાર ભોગવે છે અને તેમનાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આવા જ ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત જગ વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનાં વિધાર્થીઓ દ્વારા નવતર શિક્ષણ યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.

નિરક્ષરનાં જીવનની ગુણવત્તામાં થોડો પણ સુધારો થાય એજ અમારો ઉદ્દેશ
આ અંગે પ્રોજેક્ટની સ્ટુડન્ટ કોઓર્ડિનેટર હેમાંગિની મિશ્રાએ કહ્યું હતું કે વર્ષ 2015-2020 બેચના અભિષેક વ્યાસે 2019માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જો કે, કોવિડ ફાટી નીકળ્યા પછી માર્ચ 2020માં કેમ્પસ બંધ થતાં આ કાર્યક્રમ પણ અચાનક બંધ થઈ ગયો હતો.હવે અમે બધા વિદ્યાર્થીઓ કેમ્પસમાં પાછા ફર્યા છીએ, તેથી અમે પ્રોજેક્ટ ફરીથી શરૂ કર્યો છે. વધુમાં હેમાંગિનીએ ઉમેર્યું હતું કે, ગરીબીને કારણે આપણા દેશમાં ઘણા બાળકો ભણવાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કરે છે. શિક્ષણની આ અછતની અસર તેમના સમગ્ર જીવન પર પડે છે. અન્યની તુલનાએ તેઓ સામાન્ય રીતે ઓછી રોજગારીની તકો, ઓછી આવક, ખરાબ આરોગ્ય ધરાવે છે અને એકંદરે નબળી ગુણવત્તાવાળું જીવન જીવે છે. તેથી, અમે અમારી આસપાસ આવા લોકોને પ્રાથમિક શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે. જેનાથી તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વાંચી અને લખી શકે અને મૂળભૂત ગણતરી - calculations - સમજી શકે અને તેમના જીવનની ગુણવત્તામાં થોડો પણ સુધારો થાય એજ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

'ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી'ના નામે ઓળખાતી સંપત્તિ એટલે 'શિક્ષણ'
દરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. એટલે જ કહેવાયું છે "સા વિદ્યા યા વિમુક્તયે" વિદ્યા એટલે જ્ઞાન. આજના જમાનામાં એક "ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી"ના નામે ઓળખાતી સંપત્તિ ગણાય છે. જેની પાસે જ્ઞાન છે તે જ હવે પછી આવનાર સમયમાં દુનિયા પર રાજ કરશે. વિદ્યા એક એવું સાધન છે કે જેને ચોર ચોરી જઈ શકતો નથી, ભાઈએ ભાગ પડતા નથી કે રાજા (સરકાર) હરી શકતો નથી. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓના આશ્રમ ગુરુકુલ અથવા તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો થકી જ્ઞાન અપાતું. આજે વિદ્યાપીઠોના નામ બદલાયા છે. એજ રીતે આજની આધુનિક યુગની વિદ્યાપીઠ એટલે કે ગાંધીનગર સ્થિત જગ વિખ્યાત ગુજરાત નૅશનલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પ્રૌઢ શિક્ષણનાં યજ્ઞની ધૂણી ધખાવી છે. કોરોના મહામારી પછી જન જીવન સામાન્ય થઈ જતાં GNLU કાનૂની સેવા સમિતિએ લાંબા વિરામ પછી Adult Literacy Project (પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ) ફરીથી શરૂ કર્યો છે.

GNLU કેમ્પસમાં હાઉસકીપિંગ સહિતને અક્ષર જ્ઞાન આપવાનું શરૂ કરાયું
આ પ્રોજેક્ટમાં શિક્ષક તરીકે કામ કરવા માટે લગભગ 60 વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી છે.શરૂઆતમાં અમે GNLU કેમ્પસમાં હાઉસકીપિંગ અને હોસ્ટેલ સ્ટાફ, અને ખાસ કરીને મહિલાઓને અક્ષર જ્ઞાન આપી રહ્યા છે. અમે તેમના માટે શનિવાર અને રવિવારે વર્ગો ચલાવીએ છીએ. એકવાર પ્રોજેક્ટ સ્થિર થઈ જાય પછી અમે આગામી સત્રથી GNLU કેમ્પસની બહાર અમારુ કાર્યક્ષેત્ર વિસ્તારવા નાં છીએ. અમારા કેમ્પસની આસપાસના વિસ્તારમાં ઘણા નવા બાંધકામ પ્રોજેકટ આવી રહ્યા છે. અમે સર્વે કરતાં માલુમ પડયું કે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પરના ઘણા બાંધકામ કામદારો અશિક્ષિત અથવા અર્ધ-શિક્ષિત છે. અમે તેમને અમારા પ્રોજેક્ટમાં સામેલ કરવાના છીએ.

વર્ગ -4 કર્મીઓ માટે અદ્યતન વર્ગોના દરવાજા ખોલી દીધા
અમે અમારી આસપાસની થોડી જિંદગીને પણ હકારાત્મક રીતે પ્રભાવિત કરી શકીએ તો અમને આનંદ થશે.અમારા આ પ્રયાસમાં અમારી સંસ્થાના ડાયરેક્ટર, પ્રોફેસર (ડૉ) શાંથાકુમારનું સતત સમર્થન અને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે બદલ અમે તેમના આભારી છીએ. તેમણે પુખ્ત શિક્ષણના વર્ગો ચલાવવા માટે કેમ્પસ વર્ગખંડોનો ઉપયોગ કરવાની અમને પરવાનગી આપી છે તેના માટે અમે આભારી છીએ.

અન્ય સમાચારો પણ છે...