વિદ્યાર્થીઓને રાહત:ધોરણ.12 સાયન્સના વિદ્યાર્થી પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ 14મી સુધી ભરી શકશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડે તારીખ લંબાવતા શાળાઓ અને વિદ્યાર્થીઓને રાહત

શિક્ષણ બોર્ડની માર્ચ-2023ની ધોરણ-12 સાયન્સની પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવાની તારીખ 14મી, ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તારીખ 15મી, ડિસેમ્બરથી લેઇટ ફી સાથે ઓનલાઇન ફોર્મ સ્વીકારવાનું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષાને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારથી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ઓનલાઇન સ્વિકારવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની અંતિમ ગત તારીખ 9મી, ડિસેમ્બર-2022 નક્કી કરવામાં આવી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને કારણે એકપણ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાના રહી જાય નહી. તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામક એમ.કે.રાવલે આદેશ કર્યો છે કે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આગામી તારીખ 14મી, ડિસેમ્બર સુધી ભરી શકાશે. ત્યારબાદ ત્રણ તબક્કામાં લેઇટ ફી સાથે પરીક્ષા ફોર્મ સ્વિકારવામાં આવશે. તેમાં પ્રથમ તબક્કામાં તારીખ 15મી, ડિસેમ્બરથી તારીખ 19મી, ડિસેમ્બર સુધી 250 રૂપિયા લેઇટ ફી સાથે, બીજા તબક્કામાં આગામી તારીખ 20મી, ડિસેમ્બરથી તારીખ 29મી, ડિસેમ્બર સુધી 300 રૂપિયા લેઇટ ફી સાથે તેમજ આગામી તારીખ 30મી ડિસેમ્બરથી તારીખ 3જી, જાન્યુઆરી-2023 સુધી લેઇટ ફી રૂપિયા 350 સાથે પરીક્ષાના ફોર્મ સ્વિકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...