ચોરી પકડાઇ ગઇ:ગાંધીનગરમાં LRDની પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થી સ્પાઇ માસ્ક પહેરી ક્લાસ રૂમમાં પહોંચ્યો, સુપરવાઇઝરે રંગેહાથ ઝડપ્યો

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર - 7માં આવેલી ચૌધરી આર્ટસ કોલેજમાં પ્રશ્નપત્ર શરૂ થયાના દોઢ કલાક પછી યુવક પકડાયો
  • અઠવાડિયા અગાઉ જ દિલ્હીથી ખાસ પ્રકારનું સ્પાઇ માસ્ક ઓનલાઈન મંગાવ્યું હતું
  • ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ઉમેદવારનું ઇનટ્રોગેશન કર્યું

રાજ્યમાં સરકારી ભરતીઓ અને પેપર ફૂટવાની વણજાર વચ્ચે આજે ગાંધીનગરના સેકટર - 7માં આવેલી ચૌધરી આર્ટસ કોલેજમાં બોટાદથી LRDની પરીક્ષા આપવા માટે આવેલો વિદ્યાર્થી માસ્ક સાથે એટેચ કરેલ માઈક્રો સ્પાઇ ફોન કાનમાં લગાવીને પોલીસની અભેદ સુરક્ષા કિલ્લેબંધી પાર કરીને છેક કલાસરૂમ પહોંચી જઈ પરીક્ષા આપવા બેસી ગયો હતો. જોકે, આ વિદ્યાર્થીની પ્રવૃતિ શંકાસ્પદ જણાઈ આવતાં કલાસ સુપરવાઇઝર દ્વારા ચેકિંગ કરીને તેને વાત કરતાં રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કરવામાં આવતાં ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ઉમેદવારનું જાતે ઇનટ્રોગેશન કર્યું હતું.

સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ક્લાસરૂમ સુધી પહોંચી ગયો
રાજ્યમાં સરકારી ભરતીઓ અને પેપર ફૂટવાની વણજાર વચ્ચે આજે LRDની ગુજરાતની મુખ્ય અને સૌથી મોટી પરીક્ષા પૈકીની એક હતી. આ પરીક્ષાના પેપર પર સરકારની આબરુ ટકેલી હતી. 14થી વધારે પરીક્ષાઓમાં પેપર ફૂટ્યું હોવાના દાવા બાદ આ પરીક્ષા પર સરકાર ખાસ તકેદારી રાખી રહી હતી. પરીક્ષા કેન્દ્રની કિલ્લેબંધી કરીને સઘન ચેકીંગ હાથ ધર્યા પછી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોવા છતાં આજે ગાંધીનગરની ચૌધરી કોલેજનાં પરીક્ષા કેન્દ્રની અભેદ સુરક્ષા વ્યવસ્થાને પાર કરીને સ્પાઇ માઇક્રો ફોન ડિવાઇસ વાળું માસ્ક સાથે એટેચ કરેલું માસ્ક પહેરીને છેક કલાસ રૂમમાં પરીક્ષા આપવા બેસી જતા પોલીસ ચેકીંગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

શંકાસ્પદ પ્રવૃતિ જણાતા સુપરવાઇઝરે ઝડપ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદનાં પાળીયાદનો શિવરાજ દિલીપસિંહ ગોહિલ આજે ચૌધરી કોલેજ ખાતે LRDની પરીક્ષા આપવા માટે આવ્યો હતો. નિયમ મુજબ તમામ વિદ્યાર્થીઓને ચેકીંગ કરીને જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેણે મોઢે માસ્ક પહેરી રાખ્યું હતું. બાદમાં શિવરાજ કલાસમાં જઈને બેઠો હતો. પરીક્ષા શરૂ પણ થઈ ગઈ હતી. આ દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમી હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ માસ્ક ઉતારતા કે સરખું કરતા હતા. પરંતુ શિવરાજ કલાસમાં બેઠો ત્યારથી માસ્ક ઉતારતો ન હતો. જેને પ્રશ્નપત્ર પણ આપી દેવામાં આવ્યું હોવા છતાં શંકાસ્પદ પ્રવૃતિ કરી રહ્યો હતો. જેનાં પગલે સુપરવાઇઝર દ્વારા તેની પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન દોઢેક કલાક પછી તે કોઈની સાથે વાત કરતો હોય તેવું જણાઈ આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ઉમેદવારનું ઇનટ્રોગેશન કર્યું
આથી કલાસ સુપરવાઇઝરને શંકા ગઈ હતી. અને તેને ઊભો કરીને ચેક કર્યો હતો. પરંતુ તેની પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી. તેમ છતાં શિવરાજ ગોહિલે માસ્ક પહેરી જ રાખ્યું હતું. આથી સુપરવાઇઝર દ્વારા માસ્ક ઉતારવામાં આવ્યું હતું. જેમાં તેના કાનમાં માસ્ક સાથે એટેચ માઈક્રો સ્પાઇ ઈયર બડ ભરાવેલું મળી આવતાં સુપરવાઇઝર પણ ચોંકી ઉઠયા હતા. આ ઘટનાની જાણ કરવામાં આવતા ત્યાં હાજર પોલીસે આવીને શિવરાજને પકડી લેવામાં આવ્યો હતો.ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ખુદ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ઉમેદવારનું ઇનટ્રોગેશન કર્યું હતું.

એક અઠવાડિયા અગાઉ સ્પાઇ માસ્ક ઓનલાઈન મંગાવ્યૂ હતું
આ ખાસ પ્રકારનાં માસ્ક સાથે આવતું ડિવાઇસ શિવરાજે યુ ટ્યુબ વિડિઓ જોઈને એક અઠવાડિયા અગાઉ ઓનલાઈન દિલ્હીથી મંગાવ્યૂ હતું. અને કલાસ રૂમમાં ચાલુ પરીક્ષાએ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને સુપરવાઇઝરના હાથે ઝડપાઈ ગયો હતો. જેનાં વિરુદ્ધમાં હાલમાં આઈપીસીની કલમ 188,120(B),406,420 અને આઈટી એક્ટ 66, 43g મુજબ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

ચાલુ પરીક્ષાએ વાત કરતો હતો
આ અંગે સેકટર - 7 પીઆઈ ડી એસ ચૌધરીએ જણાવ્યું હતું હતું કે, શિવરાજ એક ખાસ પ્રકારનાં સ્પાઇ માઈક્રો ફોન માસ્ક સાથે એટેચ કરેલ માસ્ક પહેરીને ક્લાસરૂમમાં પરીક્ષા આપવા બેસી ગયો હતો. ખાસ પ્રકારની સર્કિટ થી બેટરી અને તાંબા તાર સાથે માસ્કમાં ફીટ કરેલી છે અને એકદમ માઇક્રો ઈયરબડ કાનમાં લગાવી રાખ્યું હતું. આ ડિવાઇસમાં સામાન્ય મોબાઇલની જેમ કીપેડ નથી. માત્ર સર્કિટ જેવું ડિવાઇસ માસ્કમાં ફીટ કરેલી છે. જેમાં એક એરટેલનું સિમકાર્ડ પણ લગાવેલું છે. જેવો કોઇ ફોન આવે એટલે ઓટો મેટીક રીતે ફોન રિસીવ થઈ જાય છે. ચાલુ પરીક્ષાએ શિવરાજ તેના ગામના મિત્ર સંજય ધોળીયા સાથે વાત કરતો હતો. તેના કહેવા પ્રમાણે તે ગેરેજ ચલાવે છે . પરંતુ તેની વાત ગળે ઉતરે તેમ લાગતી નથી એટલે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેની ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી કોલ ડિટેઇલ્સ પણ મગાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...