તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતી:ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક મેળવડા યોજીને કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવાના બનાવો સામે આવ્યા

કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ધાર્મિક વિધિના બહાને ગ્રામજનો દ્વારા ધાર્મિક મેળવડા યોજીને કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવાના બનાવો સામે આવ્યા છે. જે બાદ તકેદારીના ભાગરુપે ગ્રામ્ય વિસ્તારના ધાર્મિક સ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ 46 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં કોરોનાથી બચવાના ભાગરૂપે ધાર્મિક સરઘસ કાઢીને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. બે દિવસ અગાઉ જ ગાંધીનગરના રાયપુર મુકામે કોરોનાની મહામારી ભગાડવાના આશયે બળીયાદેવને પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા રાખીને ગ્રામજનોએ ઢોલ નગારા અને ડાકલા સાથે ધાર્મિક મેળાવડો યોજી દીધો હતો. જેના વીડિયો વાયરલ થયા બાદ 46 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રખિયાલ પોલીસ દ્વારા 48 લોકો સામે ગુનો નોંધ્યો

હજી આ ઘટનામાં પોલીસ વધુ ગુના દાખલ કરવાની કવાયત કરી રહી હતી. તેવામાં દહેગામ તાલુકાના બિલમણા ગામના મંદિરે પણ ધાર્મિક વિધિના નેજા હેઠળ ગ્રામજનોએ મોટી સંખ્યામાં સાથે ધાર્મિક મેળાવડો યોજ્યો હતો. અને આ વખતે પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. ડભોડાના રાયપુર મુકામે ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ગયો તે વખતે પણ પોલીસ ઊંઘતી રહી હતી. બાદમાં ધાર્મિક કાર્યક્રમનાં વીડિયો વાયરલ થયા પછી પોલીસ કાર્યવાહી કરવા દોડતી થઇ ગઈ હતી. અને રખિયાલ પોલીસ દ્વારા 48 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગામના મંદિરોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત

એક તરફ ગાંધીનગરમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી સમયે રાતદિવસ દોડધામ કરીને રાજકીય કાર્યક્રમોની પળે પળની અપડેટ આપી સરકારને અપડેટ આપતી ઇન્ટેલિજન્સ વિભાગની ટીમ પણ આ વખતે ઊંઘતી ઝડપાઈ હતી. જેના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ ગામના સરપંચ તેમજ આગેવાનો સાથે પરામર્શ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મંદિરોમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો માં મોટી સંખ્યામાં ભીડ એકઠી નહીં થવા માટે આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામના મંદિરોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ આગામી દિવસોમાં ધાર્મિક વિધિ ના બહાને બહાને ભેગા થતા લોકો સામે કાયદેસરના પગલાં ભરવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...