કોર્પોરેશન તંત્રની લાલિયાવાડી:ગાંધીનગરના સેકટર - 2/સી માં રખડતા કૂતરાનો આતંક, પાંચ વર્ષની બાળકીને બીજી વખત બચકા ભર્યા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં રખડતા કૂતરા આતંક મચાવી રહ્યા છે અને રોજેરોજ સંખ્યાબંધ લોકોને કરડીને હડકવા વિરોધી રસી લેવા મજબૂર કરી રહ્યા છે. એમાંય સેકટર - 2/સીમાં એક માસુમ બાળકીને કૂતરાએ છ મહિનામાં બે વખત બચકા ભરી લેતાં સ્થાનિકો મ્યુનિસિપલ કૉર્પોરેશન સામે ફિટકાર વરસાવી રહયાં છે. કેમકે અહીંથી કૂતરાને પકડવા માટે વારંવાર ફરીયાદો કરવા છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા ઉડાઉ જવાબ આપી ફોન મૂકી દેવામાં આવતો હોવાની પણ બૂમરાણ ઉઠવા પામી છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની ખસીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો રહેતો હોય છે. પરંતુ જે રીતે શહેરમાં રખડતા કૂતરાની સંખ્યાએ માઝા મૂકી છે એ જોતાં કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતાં ખર્ચ સામે અનેક સવાલો ઉભા થયા છે. શહેરમાં અમુક વીવીઆઈપી વિસ્તારોને બાદ કરતાં મોટાભાગે કૂતરાંની સંખ્યામાં એકદમ ઉછાળો આવ્યો છે.

શહેરની દરેક સોસાયટીનાં રહીશો રખડતા કૂતરાના ત્રાસના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પરંતુ કોર્પોરેશન તંત્રની લાલિયાવાડીનાં કારણે કૂતરા કરડવાનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોર્પોરેશન તંત્રના પાપે સેકટર - 2/સી માં પાંચ વર્ષીય બાળકીને રખડતા કૂતરાએ છેલ્લા છ મહિનાના ગાળામાં બે વખત બચકાં ભરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે.

શહેરનાં સેકટર - 2/સી પ્લોટ નંબર 899/1 માં રહેતાં સતીષ વાઘેલાની પાંચ વર્ષીય દીકરી ધ્યાનીને રખડતા કૂતરાએ બચકા ભરી લેતાં પાંચ ઈન્જેક્શનો મૂકવાની ફરજ પડી છે. સેકટર - 2/સી ગણેશ ચોક પાસેના વિસ્તારોમાં અચાનક રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે. જે મામલે બાળકીના પિતા સહિતના વસાહતીઓએ કોર્પોરેશન તંત્રમાં ફોન કરીને રખડતા કૂતરાથી મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ હતી. એ વખતે સંબંધિત કર્મચારીએ કૂતરા પકડી જવાની હૈયાધારણા પણ આપી હતી.

આ વાતને પણ સમય વીતી જતા ફરીવાર કોર્પોરેશન તંત્રમાં ફોન કરીને રખડતા કૂતરાની ફરિયાદ કરાઈ હતી. પરંતુ આ વખતે સામેથી ઉદ્ધત જવાબ આપવામાં આવેલો કે, અમે કૂતરા પકડવા બેઠા છીએ. તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો એમ કહીને ફોન કાપી નાખવામાં આવ્યો હતો. આમ કોર્પોરેશન તંત્રના પાપે હાલમાં પાંચ વર્ષીય બાળકીને રખડતા કૂતરાનો ભોગ બનવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...