શિક્ષણ:ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા લેવા માંગ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 12 સાયન્સમાં 2 વિષયની જ પૂરક પરીક્ષા લેવાય છે

શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા ધોરણ-12 સાયન્સની બે વિષયોની લેવામાં આવે છે. જ્યારે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની એક જ વિષયની પરીક્ષા લેવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા પણ બે વિષયમાં લેવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022ના રોજ લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

તેમાં એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓનું આખુ વર્ષ બગડે નહી તે માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે. શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઇ-2022 માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને પગલે ગત વર્ષ-2020માં પૂરક પરીક્ષા ધોરણ-10 અને 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના બે બે વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે તેમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માત્ર કોરોનાના કારણે જ બે વિષયની લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે હાલમાં ધોરણ-10 અને 12નું પરિણામ આવી ગયું છે. ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. તેજ રીતે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના એક વર્ષ બગડે નહી તેમજ તેઓના ભાવીને ધ્યાનમાં રાખીને બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી છે.

કોરોનાની મહામારીને કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ ઉપર માઠી અસર થઇ છે. આથી આવા સંજોગોમાં ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા બે વિષયની લેવામાં આવે તેવી શિક્ષણ બોર્ડના સદસ્યે માંગણી સાથે શિક્ષણ બોર્ડના ચેરમેનને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...