તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • State Wide Network Revealed In Hydrochloric Acid Contaminated Water Disposal Chapter, Two Tankers Containing Contaminated Chemicals Seized From Gandhinagar

કૌભાંડ:નદીમાં એસિડિક પાણી નાંખતી ગેંગ ઝડપાઈ, 10 વર્ષથી ચાલતુ હતું નદીઓને પ્રદૂષિત કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાથી હાઇડ્રોકલોરિક એસિડનું પ્રદૂષિત પાણી ભરીને આવતા બે ટેન્કર ઝડપાયા
  • જીઆઇડીસીની કંપનીઓમાંથી દૂષિત પાણી ભરીને ગટરો તથા નદીમાં નિકાલ કરવાનું કૌભાંડ બહાર આવ્યું
  • ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આવા નેટવર્ક ઝડપવામાં અસફળ

પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મંજૂરી વિના બે ટ્રકમાં 60 હજાર લિટર હાઇડ્રોકલોરિક એસિડનું પ્રદૂષિત પાણી મહેસાણાની કંપનીમાંથી ભરીને એનો રાત્રિના અંધકારમાં અવાવરૂ જગ્યાએ નિકાલ કરવા માટે નીકળેલા બે ડ્રાઈવરોને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચે અડાલજ હાઇવે રોડ પર વોચ ગોઠવીને ઝડપી લીધા હતા. ત્યારે આ પ્રકરણમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતાં જીઆઇડીસીની કંપનીઓમાંથી દૂષિત પાણી ભરીને એનો ગટરો તેમજ નદીમાં નિકાલ કરવાનું 10 વર્ષથી રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જીપીસીબી પણ અંધારામાં હોવાનું બહાર આવ્યું છે.

20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગર એલસીબીની ટીમે છત્રાલ-અડાલજ હાઈવે ઉપર પર્યાવરણને નુકસાન કરતાં હાઈડ્રોકલોરિક એસિડનાં પ્રદૂષિત પાણી ભરેલાં બે ટેન્કર પકડી લઈ 60 હજાર લિટર દૂષિત પાણી જપ્ત કરી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એમાં એશિયન ટયૂબ પ્રાઈવેટ લિ.નામની કંપનીમાંથી આ પાણી ભરી રાતના અંધારામાં અવાવરૂ જગ્યાએ ખાલી કરી નાખવાનું આયોજન હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં ટેન્કરના ચાલક રમેશભાઈ દૂધાભાઈ મોઢવાડિયા (રહે.601, સોહમ સોસાયટી, હાથીજણ સર્કલ અમદાવાદ) અને ચંદ્રપ્રકાશ વિજયસિંહ રાવત (રહે.બડાવાસ તા.ભીમ રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

નેટવર્ક છેલ્લાં દસ વર્ષથી ચલાવતા હતા

જેમની કડકાઈથી પૂછપરછ કરતાં રાજ્યવ્યાપી નેટવર્ક ચાલતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે, જેમાં આ બંને ડ્રાઇવરોને ટેન્કરનો માલિક જગશી કાનાભાઈ ભરવાડ( રહે.ભરવાડ વાસ નાદેજ બારેજડી અમદાવાદ) સમગ્ર નેટવર્કનો માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે અને તેના ડ્રાઈવર રમેશ મોઢવાડિયા દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તેમજ અંકલેશ્વરની ફેક્ટરીઓમાંથી દૂષિત કેમિકલ્સયુક્ત પાણીનો નિકાલ નારોલ, વટવાની ગટરો તેમજ વડોદરાની વિશ્વામિત્ર નદીમાં કરવાનું નેટવર્ક છેલ્લાં દસ વર્ષથી ચલાવતા હતા.

પ્રતિ ટનના ભાવે રૂપિયા 1400 નક્કી કર્યા

આ સમગ્ર પ્રકરણમાં કડીના સાકીર નામના શખસે કંપનીના મેનેજર બિપિન સુથાર સાથે ટેન્કરના ડ્રાઇવર રમેશ મોઢવાડિયા તેમજ ટેન્કર માલિક જગશી ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં બિપિને એશિયન ટ્યૂબ પ્રાઇવેટ લિમિટેડના એમડી બજરંગલાલ લક્ષ્મીનારાયણ અગ્રવાલ તેમજ આદિત્ય ઓમ પ્રકાશ અગ્રવાલ(બન્ને રહે. નૂતન સોસાયટી અમદાવાદ) જોડે ચર્ચા કરીને હાઇડ્રોક્લોરિક એસિડના દૂષિત પાણીના નિકાલ માટે પ્રતિ ટનના ભાવે રૂપિયા 1400 નક્કી કર્યા હતા.

રાજ્યવ્યાપી કૌભાંડ મંડળી દ્વારા ચલાવવામાં આવતું

આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષથી કેમિકલયુક્ત દૂષિત પાણીનો નિકાલ કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઉપરોક્ત મંડળી દ્વારા ચલાવવામાં આવતું હતું, જેમાં કડીના સાકીર સિવાય તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અત્યારસુધીમાં એશિયન ટ્યૂબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 3 ફેરા, સાતેજની અશ્વિન ફાસ્ટનર્સમાંથી 2 ફેરા, ગુજરાતી સાણંદની એક કંપનીમાંથી સાતફેરા, વડોદરા જીઆઇડીસી મંજુસરમાં આવેલી કેમિનો કેમિકલ્સમાંથી 5 ફેરા, વડોદરાની દીપક નાઇટ્રાઇટમાંથી 10 ફેરા, પાલ કેમિકલ્સમાંથી 5 ફેરા, કેમટેક કેમિકલ્સમાંથી 7 ફેરા, ખંભાતની ગુજરાત ફલોરો કંપનીમાંથી 8 ફેરા અને દહેજની સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાંથી 6 વખત કેમિકલયુક્ત દૂષિત પાણી ભરીને નિકાલ કરી દેવામાં આવ્યો છે.

એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચાલી રહી છે

રોપીઓ નારોલ, વટવાની ગટરો તેમજ વડોદરાની વિશ્વામિત્ર નદીમાં રાત્રિના અંધકારમાં દૂષિત પાણીનો નિકાલ કરી દેતા હતા. જગશી ભરવાડ વડોદરા, ઘાટલોડિયા તેમજ અસલાલી તેમજ રમેશ વિરુદ્ધ વડોદરામાં ભૂતકાળમાં ગુના દાખલ થયેલા છે. હાલમાં આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...