તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂનો જથ્થો જપ્ત કરાયો:ગાંધીનગરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી, હદની સમસ્યા સર્જાતા ગાંધીનગર - અમદાવાદ પોલીસને નાછૂટકે બોલાવવી પડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિકઅપ ડાલાના ગુપ્તખાનામાંથી 215 નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

અડાલજના વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ જતા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને પિકઅપ ડાલાનાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 215 નંગ બોટલો ઝડપી લઈ દારૂની હેરાફેરીનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે હદની સમસ્યા સર્જાતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ - ગાંધીનગર પોલીસને સ્થળ પર બોલાવી ખરાઈ કરતા વિદેશી દારૂની હેરાફેરી અડાલજ પોલીસની હદમાં થતી હોવાનું પુરવાર થયું હતું. સ્ટેટ મોનીટરીંગની ટીમે ડ્રાઇવર - ક્લીનરની ધરપકડ પણ કરી લીધી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી જ્યોતિ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અનોપસિંહ ગાંધીનગર સરખેજ હાઇવે રોડ ઉપર સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન આધારભૂત માહિતી મળી હતી કે એક સફેદ કલરના છોટાહાથી ડાલુ નંબર (GJ04W5312) ના ગુપ્ત ખાનામાં વિદેશી સંતાડી રાખવામાં આવેલ છે જે વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગળ તરફ જતા રોડ પરથી પસાર થવાનું છે.

જેના પગલે સ્ટેટ મોનિટરિંગની ટીમ ધ્વારા બાતમી વાળુ પીકઅપ ડાલું વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ ગામ તરફ જતા સર્વિસ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યું હતું. અને પિકઅપ ડાલાની તલાશી લેતા પાછળના ભાગે ફ્લોરિંગના પતરા નીચે બનાવેલા ગુપ્ત ખાનામાં ગોઠવેલી 215 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી ઉદેપુરના ધારોદ ગામના ડ્રાઇવર રઘુવીર સીંગ ઉર્ફે ભુરિયો ભવાનસિંગ સિસોદીયા તેમજ ક્લીનર ગજેંદ્રસિંગને ઝડપી લઈ પૂછતાંછ શરૂ કરી હતી.

ત્યારે માલુમ પડયું હતું કે, તેઓના સગા મામા ફોઇના ભાઈ જીવણસીંગ જવાનસિંગ રાઠોડ (રહે. ઉદેપુર, ધારોદ) દારૂનો ધંધો કરવા ગુજરાતમાં કડી દેત્રોજ રોડ ઉપર આવેલ એક ગામમાં મકાન ભાડે રાખીને રહે છે. જેનાં કહેવાથી દસ દિવસથી બંને જણા જીવણસિંગ પાસે આવ્યા હતા. અને ગુપ્ત ખાનામાં તેણે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આઠ દિવસ અગાઉ મોટા ચિલોડા પાસે બે બાઇક સવાર ઈસમો આવ્યા હતા. અને ડાલામાંથી દારૂ ખાલી કરીને લઈ ગયા હતા. એજ રીતે આ પકડાયેલ દારૂ ચિલોડા લઈ જવા હોવાનું અને જીવણસિંગ, તેનો ભાગીદાર અને સંબંધી ચંદનસિંગ સોલંકીએ દારૂ ભરી આપ્યાની વધુમાં કબૂલાત પણ કરી હતી.

આ દારૂની હેરાફેરી માટે તેમને એક ફેરા દીઠ રૂ. 2 હજાર ચૂકવવામાં આવતા હતા ગાંધીનગર અને અમદાવાદના અલગ અલગ પોલીસ મથકોની હદમાં આવતી હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સાબરમતી, ચાંદખેડા, સોલા, ગાંધીનગર પોલીસને પણ સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. જેનાં પગલે વિદેશી દારૂની હેરાફેરી અડાલજ પોલીસ મથકની હદમાં થતી હોવાનું ખુલવા પામ્યું હતું. આથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કુલ રૂ. 2 લાખ 86 હજાર થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી જીવણસિંગ રાઠોડ, ચંદનસિંગ સોલંકી અને અજાણ્યા ઈસમો વિરૃધ્ધ ગુનો દાખલ કરાવતા અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...