જુગારધામ ઝડપાયું:સાંતેજ પોલીસ મથકની હદમાં ચાલતાં જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, 11 જુગારીઓ દોઢ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની રેડ પડતાં જ જુગારની બાઝી માંડીને બેઠેલા જુગારીઓમાં નાસભાગ મચી

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદમાં જીઆઈડીસી કોઠારી ચોકડી વાળી માર્કેટ પાસે ધમધમતા વરલી મટકાંનાં જુગાર ધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. આ રેડમાં જુગાર રમવા આવેલા 11 જુગારીઓને રૂ. 1.47 લાખના મુદામાલ સાથે રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાનાં સાંતેજ પોલીસ મથક દિવાળીની વાતથી જ માઠી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કુમળી વયની બાળકીઓનાં અપહરણ, હત્યા અને બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ઉપરાંત અત્રેની જીઆઈડીસીની ફાર્મા કંપનીનાં હોજમાં ઝેરી ગેસની અસરનાં કારણે પાંચ લોકોએ જીવ ગુમાવવાની ઘટના પણ પોલીસ ચોપડે નોંધાતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અહીંની હદમાં ચાલતાં વરલી મટકાં જુગાર ધામ પર રેડ કરવામાં આવી છે.

રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગાંધીનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા. ત્યારે બાતમી મળી હતી કે સાંતેજ પોલીસ મથકની હદમાં જીઆઇડીસી કોઠારી ચોકડી વાળી માર્કેટ પાસે મોટા પાયે જુગાર ધામ ધમધમી રહ્યું છે. જેનાં પગલે સ્ટેટ મોનીટરીંગની ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી.

પોલીસની રેડ પડતાં જ જુગારનાં આંકડા લખાવવા બેઠેલાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ અગાઉથી અત્રેના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો.બાદમાં પોલીસ દ્વારા જુગાર રમતા કાળાજી આતાજી ઠાકોર, દિનેશભાઈ ગોકાજી ઠાકોર,ગણપતભાઈ મગનભાઈ પરમાર,રાજેશભાઈ દશરથભાઈ સોની,અતુલ રાજદીપ ઠાકોર, અભિષેક ભાવસિંગ અહેરવા, કાંતિભાઈ પ્રતાપજી ઠાકોર, મહેન્દ્રભાઈ કાંતિભાઈ ઠાકોર, ધર્મેશભાઈ ગોરધનભાઈ શિશાંગિયા, પ્રહલાદસિંગ રતનસિંગ દરબાર, જગબંધુ લોકનાથ બહેરાને રંગેહાથ ઝડપી લેવાયા હતા. જ્યારે રાણાજી જવાનજી ઠાકોર નાસી ગયો હતો.

બાદમાં પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 46730 રોકડ, 9 મોબાઇલ ફોન, બે વાહનો તેમજ અન્ય જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 1 લાખ 46 હજાર 880નો મુદ્દામાલ જપ્ત કરી સાંતેજ પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અડ્ડા પરથી ઝડપાયેલા શખ્સો
1. કાળાજી આતાજી ઠાકોર (રહે. સાંતેજ)
2. દિનેશજી ગોકાજી ઠાકોર (રહે. સાંતેજ)
3. ગણપત મગનભાઇ પરમાર (રહે.સાબરમતી, અમદાવાદ)
4. રાજેશ દશરથ સોની (રહે. ઝુંડાલ, ચાંદખેડા, અમદાવાદ)
5. અતુલ રાજદીપ ઠાકોર (રહે. સાંતેજ)
6. અભેસિંગ ભાવસીંગ અહેરવા (રહે. સાંતેજ)
7. કાંતિ પ્રતાપજી ઠાકોર (રહે.સોલા ગામ, અમદાવાદ)
8. મહેન્દ્ર કાંતિભાઇ ઠાકોર (રહે. સોલા ગામ, અમદાવાદ)
9. ધર્મેન્દ્ર ગોરધનભાઇ શિશાંગીયા (રહે. સિમ્સ પાસે, અમદાવાદ)
10. પ્રહલાદસિંહ રતનસિંહ દરબાર (રહે. સોલા ગામ, અમદાવાદ)
11. જગબંધુ લોકનાથ બહેરા (રહે.સાંતેજ જીઆઇડીસી)

અન્ય સમાચારો પણ છે...