બેઠક:17 જેટલા બગીચાના નવિનીકરણ સહિત 11 જેટલા મુદ્દા બાબતે સ્થાયી સમિતિની બેઠક

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 ઓગસ્ટે મ્યુ. કમિશનરની ગેરહાજરીને પગલે મુલતવી રહેલી બેઠક આજે મળશે

કમિશનરની ગેરહાજરી મુદ્દે 5 ઓગસ્ટે મુલતવી રહેલી મનપા સ્થાયી સમિતિની બેઠક આજે બપોરે સાડા 12 વાગ્યે મળશે. જેમાં 11 જેટલા મુદ્દા-ટેન્ડરો પર ચર્ચા બાદ મંજૂરીની મહોંર મારવામાં આવશે. આજે મળનારી બેઠકમાં કાઉન્સિલર્સની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડની ખરીદીની મર્યાદામાં 300 નંગનો વધારો, મુક્તિધામ માટે લાકડાની ખરીદી, કામ ચલાઉ શેલ્ટર હોમ, સફાઈ માટેના 2 લોડર મશીનરની ખરીદી, 1 કરોડથી વધુના ખર્ચે હાઈડ્રોલીક પ્લેટફોર્મની મરામતનું ટેન્ડર તથા 26 કરોડથી વધુના ખર્ચે શહેરના 17 જેટલા બગીચાઓના નવીનીકરણ પર મંજૂરીની મહોંર વાગે તેવી શક્યતા હતી.

કોરોનાને પગલે 5 મહિનાથી શહેરના તમામ ગાર્ડન બંધ છે. ત્યારે આવા સમયે બગીચાઓના નવીનીકરણ સામે કોંગ્રેસ સાથે ભાજપના જ અમુક સભ્યોનો આંતરિક વિરોધ છે. સભ્યોનું માનવું છે હાલ કરોડોનો ખર્ચો કરવો યોગ્ય નથી, કારણ કે શહેરીજનોને ફરવા અને આનંદ પ્રમોદ માટે અનેક બગીચાઓ સારા જ છે. ત્યારે બગીચાઓ પાછળ વધું 26 કરોડ ખર્ચવા યોગ્ય ન હોવાનું સભ્યોનું માનવું છે.

બીજી તરફ જૂનમાં રમત-ગમતના સાધનો માટે 77.17 લાખનું ટેન્ડર મંજૂર કરાયુુ હતું. જે ટેન્ડર ભરનાર મહાકાલી સોઈંગ મશીન એન્ડ આર્યન વર્કસે આ માટે 2 નગર પાલિકાઓમાં કામ કર્યું હોવાનું સર્ટીફીકેટ રજૂ કર્યું હતું. કોર્પોરેશન દ્વારા તેની ખરાઈ કરવા બંને પાલિકાઓમાં મોકલી અપાતા આવી કોઈ એજન્સીએ કામ જ ન કર્યું હોવાનું જણાતા તેની ડિપોઝીટ જપ્ત કરી તેને અમાન્ય કરવા આવેલી દરખાસ્ત પર આજે નિર્ણય લેવાશે.

કોર્પોરેશનના ટેન્ડરોમાં રહી ગયેલાં નગરસેવકોને ખુશ કરવાનો કીમીયો!
કોર્પોરેશનના ટેન્ડરોની ભાગબટાઈમાં રહી જતાં નગરસેવકોને ખુશ કરવા માટે આજની બેઠકમાં એક નિર્ણય લેવાય તેમ છે. જેમાં કાઉન્સિલર્સની ગ્રાન્ટમાંથી ટ્રી ગાર્ડ ખરીદીની મર્યાદામાં 300 નંગનો વધારો કરાય તેવી શક્યતા છે. અમુક કોર્પોરેટર્સને બાદ કરતાં મોટભાગના પાસે નાગરિકો ટ્રી ગાર્ડ માંગે ત્યારે ન હોવાનું જ રટણ સાંભળવા મળે છે. જ્યારે ઘણા કોર્પોરેટર્સ 300માંથી માત્ર 30 જેટલા ટ્રી ગાર્ડ વેચીને બાકીની રોકડી કરી લેવાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...