મચ્છરના લારવાના ચેકિંગ માટે દહેગામ તાલુકામાં ગયેલી મેલેરીયાની ટીમેને કડવો અનુભવ થયો હતો. બાંધકામ સાઇટ ઉપર ફરજ બજાવતા કર્મચારીએ આરોગ્યના કર્મચારીઓની સાથે ઉદ્ધત વર્તન કરીને બબાલ કરી હતી. ઉપરાંત નોટીસ પણ સ્વિકારી નહી હોવા છતાં જિલ્લા મેલેરીયા તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. આથી કામગીરીના આદેશો કરવા છતાં કર્મચારીઓની સલામતી શું તેવા પ્રશ્નો કર્મચારીઓમાં ઉઠ્યા છે.
હાલમાં વરસાદે વિરામ લીધો હોવાથી વરસાદી પાણી ભરાતા હોય તેમાં મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે. આથી પાણીમાં મચ્છરના લારવાને નાશ કરવા માટે જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને તપાસના આદેશો કર્યા છે. જેમાં દહેગામ તાલુકાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પોતાના વિસ્તારમાં આવતી બાંધકામ સાઇટ ઉપર તપાસ માટે ગયા હતા. ત્યારે બાંધકામ સાઇટ ઉપર ફરજ બજાવતા કર્મચારીએ આરોગ્યના કર્મચારીઓની સાથે ઉધ્ધત વર્તન કરીને બબાલ કરી હતી.
ઉપરાંત બાંધકામ સાઇટમાં તપાસ પણ કરવા દીધી નહી. આથી બાંધકામ સાઇટના કર્મચારીના આવા વર્તન અંગેની જાણ સ્થાનિક અને જિલ્લા મેલેરીયા તંત્રને કરી હતી. તેમ છતાં બાંધકામ સાઇટવાળાની સામે કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે પોરા નાશકની કામગીરી કરવા માટે કર્મચારીઓને આદેશ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ કર્મચારીઓ સાથે થતાં આવા વર્તન બદલ કોઇ જ પગલાં પણ જિલ્લા મેલેરીયા તંત્ર દ્વારા લેવામાં આવતા નહી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.
આથી પોરા નાશકની કામગીરી કરતા કર્મચારીઓની સલામતી શું તેવા પ્રશ્નો પણ કર્મચારીઓમાં ઉઠ્યા છે. જોકે બાંધકામ સાઇટના કર્મચારીએ નોટીસનો પણ સ્વિકાર કર્યો નહી હોવાનું કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી. કર્મીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.