સન્માન:ચેખલારણીમાં આઝાદી બાદ સૌપ્રથમ આજથી ST શરૂ થશે

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર અને કંડક્ટરનું શાલ ઓઢાડીને સન્માન કરાશે

આઝાદી પછી પ્રથમ વખત ચેખલારણી ગામમાંથી એસ ટી બસ સેવાનો તારીખ 4થી, ગુરૂવારથી શરૂ થશે. ગાંધીનગર ડેપોમાંથી સવારે 8 કલાકે ઉપડતી બસ સેવા સવારે 8-45 કલાકે આવશે જે સાદરા જઇને રિટર્ન ચેખલારણીમાંથી પરત ગાંધીનગર જશે.

જિલ્લાના ગાંધીનગર તાલુકાના ચેખલારણી ગામમાં હજુ સુધી એસ ટી બસ સેવાનો લાભ મળતો નહી. જોકે પાંચેક મહિના પહેલા સમરસ ગ્રામપંચાયત બનીને સરપંચ તરીકે બેઠેલા ઘનશ્યામસિંહ ઝાલાએ ગ્રામજનોને બસ સેવાનો લાભ મળે તે માટે છેલ્લા ચારેક માસથી એસ ટી નિગમના ધક્કા ખાઇને એસ ટી બસ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

આથી સરપંચે બસ સેવા શરૂ કરવા માટે શું શું ડોક્યુમેન્ટનની જરૂર પડે તે તેની તપાસ કરીને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ એસ ટી નિગમમાં રજુ કર્યા હતા. ઉપરાંત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને એસ ટી બસ સેવા શરૂ કરવા લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી. સરપંચની મહેનતની રંગ લાવતા આઝાદી પછી પ્રથમ વખત એસ ટી બસ સેવાનો પ્રારંભ તારીખ 4થી, ગુરૂવારથી કરવામાં આવશે.

ગાંધીનગરથી સાદરા તરફ જતી બસ સેવા સવારે 8-00 કલાક ઉપડશે. જે બસ ચેખલારણી ગામમાં સવારે 8-30થી 8-45 કલાકે આવશે. જે બસ વાયા દોલારાણા વાસણા, રાજપુર થઇને સાદરા જશે. સાદરાથી બસ રિટર્ન એજ રૂટ ઉપર ચેખલારણી થઇને ગાંધીનગર ડેપોમાં જશે. એસ ટી બસના આગમનની સાથે ડ્રાઇવર અને કંડક્ટરનું શાલ ઉઢાડીને અને ફ્રુટની ટોપલી આપીને સન્માન કરવામાં આવશે તેમ ગામના સરપંચે જણાવ્યું છે. એક બસ શરૂ થયા બાદ મુસાફરો મળશે તો બીજી બસ સેવા પણ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...