આર્થિક મારમાં રાહત:દિવાળીમાં એકસ્ટ્રા બસો દોડાવીને એસ ટી ડેપોએ રૂપિયા 11.41 લાખની આવક

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપોને પ્રતિ કિલોમીટર રૂપિયા 22.95ના લેખે આવક થઇ છે

નગરના એસ ટી ડેપોએ દિવાળીના પર્વોને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે એકસ્ટ્રા બસો દોડાવી હતી. તેનાથી ડેપોને રૂપિયા 11.41 લાખની આવક થવા પામી છે. આથી ડેપોને ઓનલાઇન ટિકીટ બુકિંગની સાથે સાથે એકસ્ટ્રા બસોથી પણ વધારે આવક થતાં ચાલુ વર્ષ ડેપો માટે ચાંદી જ ચાંદી સમાન બની રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્યના પ્રવાસન સ્થળો તેમજ પંચમહાલ, ગોધરા અને દાહોદ સહિતના વિસ્તારો માટે એકસ્ટ્રા બસો નગરના ડેપોમાંથી દોડવી હતી.

ડેપોમાંથી સતત એક સપ્તાહ સુધી કુલ-104 બસો કુલ-208 ટ્રીપો દોડી હતી. બસોની ટ્રીપોમાં કુલ-8361 મુસાફરોને લાવવા અને લઇ ગયા હતા. આથી પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા 22.95 લેખે ડેપોએ કુલ રૂપિયા 1141553ની આવક કરી હતી. ડેપોમાંથી દોડાવવામાં આવેલી એકસ્ટ્રા બસોએ કુલ 49720 કિલોમીટર દોડી હતી.

જોકે છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીને કારણે મુસાફરોની પાંખી હાજરી તેમજ કોવિડની ગાઇડ લાઇન મુજબ બસમાં મુસાફરોને બેસાડવાના નિયમના કારણે ડેપોની આર્થિક હાલત કફોડી બની ગઇ હતી. ત્યારે ચાલુ વર્ષની દિવાળીના તહેવારોમાં ડેપોની ઇ-ટિકીટ બુકિંગ તેમજ એકસ્ટ્રા બસો દોડાવતા ધાર્યા કરતા આવક વધારે સારી થતાં આર્થિક મારમાં થોડીક રાહત નિગમને મળી છે.

અન્ય સમાચારો પણ છે...