બિરસામુંડા કચેરી પાસેથી દારૂ સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દારુ ક્યાંથી લાવવામાં આવ્યો તેની પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે,એસઆરપી જવાન પાસે દારૂ મંગાવ્યો હતો. જેને લઇને પોલીસે એસઆરપી જવાનની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ સેક્ટર 7 પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બિરસામુંડા ભવન પાસે એક વ્યક્તિ બાઇક ઉપર દારુ લઇને આવી રહ્યો છે. જેને લઇને પોલીસની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. જ્યારે એક બાઇક નંબર જીજે 18 સીપી 0120 લઇને યુવક મહેશ દશરથજી ઠાકોર (રહે, ઇન્દ્રોડા) આવતા તેને રોકીને તપાસ કરવામા આવી હતી. જેમા તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારુની બે બોટલ મળી આવી હતી.
જ્યારે દારૂ કોની પાસેથી લાવવામા આવ્યો હોવાનુ પૂછતા કહ્યુ હતુ કે, એસઆરપી ગૃપ 12મા નોકરી કરતો અને હાલ એટેચ પોલીસ ભવનમા રાઇટર તરીકે નોકરી કરતા નટુજી ગાંડાજી ઝાલા (રહે, સેક્ટર 21, સરકારી ક્વોટર્સ બ્લોક નંબર 55/9. મૂળ રહે, ઝાલાના મુવાડા, દહેગામ) જણાવ્યુ હતુ. જેને લઇને પોલીસે આરોપીને સાથે રાખી ફોન કરી પૂછતા પોતે હાલમા શિક્ષણ બોર્ડની કચેરી પાસેના પાર્કિંગમાં હોવાનુ કહેતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી કારની તપાસ કરતા તેમાંથી બે બોટલ દારુ મળી આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી દારુ, બાઇક, કાર સહિત 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એચ.એ.સોલંકીએ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગર શહેરમાં તથા તેની આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા કેટલાય સમયથી દારૂની પ્રવૃતિ વધી ગઇ હોવાથી અને દારૂનું વેચાણ કરતાં તત્ત્વોને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.