તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:બંછાનિધિ પાની પાટીલ એન્ડ કંપનીના ખાસ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરતના કમિશનર બંછાનિધિ પાની બદલાઇને બીજે ક્યાંય મુકાયા નથી અને તેની પાછળનું કારણ છે કે તેઓ હાલ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને તેમના સાથીઓના ખાસ બની ગયા છે. પાનીની કામ કરવાની પદ્ધતિથી પાટીલ અને તેમનું જૂથ સારું એવું પ્રભાવિત છે અને તેથી જ મુખ્યમંત્રી રૂપાણીની સરકાર તેમને બીજે ખસેડી ન દે તેનું સારું એવું ધ્યાન રખાયું છે. તેમની બેચ 2005ના અધિકારીઓને સચિવ કક્ષાનું પ્રમોશન મળ્યું અને તેમાંના મોટાભાગના અધિકારીઓ બદલાઇ ગયાં, પરંતુ પાની સ્થિર છે.

લો હવે પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવાશે તેવી અફવાઓ ઉડી
હજુ ગુજરાત સરકાર અને ભાજપમાં ચાલતી વિવિધ અફવાઓ માંડ શાંત થઇ છે, ત્યાં પક્ષમાંથી જ બીજાં પડીકાં ઉડાડવામાં આવી રહ્યાં છે. આ વખતે વાત થઇ રહી છે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણની અને તેમાં હાલ ભાજપના પ્રમુખ સી આર પાટીલ તથા અમદાવાદ પૂર્વના સાંસદ ડો. કિરીટ સોલંકીના નામો ઉછળ્યાં છે. વડાપ્રધાન મોદી પોતે ગુજરાતી છે અને હાલ ગુજરાતમાંથી ચૂંટાયેલાં ત્રણ નેતાઓ અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા મંત્રીઓ છે. હવે ગુજરાતમાંથી બીજા કોઇ નેતાને કેન્દ્ર સરકારમાં લઇ નહીં જવાય તેવી સ્પષ્ટતાઓ પક્ષના નેતાઓને કરવી પડી રહી છે. પણ પોતાના જ પક્ષના લોકોના મોં પર ક્યાં તાળા દેવા જવા તે ય મોટો પ્રશ્ન છે તે હવે પાટીલને પણ સમજાશે.

કોળીઓ પરસોત્તમને ભૂલ્યાં, ત્યાં ભાઇ પાછાં સક્રિય થયા
કોળી સમાજના નેતા તરીકે અત્યાર સુધી મંત્રી પરસોત્તમ સોલંકીના સિક્કા પડતા હતા પણ હવે તેમનો જાદુ ઓસરી રહ્યો છે અને તેમના સમાજમાંથી બીજા નેતા ઊભાં થઇ ગયાં છે. આ સંજોગોમાં ભાઇ તરીકે ઓળખાતા સોલંકીને આવતી ચૂંટણીની ચિંતા પેઠી છે. તેમના ભાઇ હીરા સોલંકી ગઇ ચૂંટણીમાં હાર્યા પછી કોઇ હોદ્દા પર પણ નથી અને કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી બની ગયા છે. આવતી વિધાનસભા ચૂંટણીમાં ભાઇ અને તેમના ભાઇનું પત્તું કપાઇ જાય તેની બીકે હવે તેઓ સક્રિય થયા છે. કોળીઓને ગુજરાત સરકાર અન્યાય કરે છે અને રાજીનામું આપી દઇશ તેવી ચીમકી આપી દીધી છે, પણ હવે ભાજપ પ્રમુખ પાટીલ આવતી ચૂંટણીમાં આ ચીમકીને કેટલી ગંભીરતાથી લે છે તે જોવાનું રહેશે.

લલ્લુજી રાજીવ ગુપ્તાનો પીછો છોડતાં નથી
ઉત્તર પ્રદેશમાં બ્લેક લિસ્ટ થયેલી કંપની લલ્લુજી એન્ડ સન્સના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં બનેલાં ટેન્ટ સિટીના વિવાદથી રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતાઓ રજૂ કરી માંડ હાથ ખંખેર્યાં, ત્યાં ફરી પાછી આ કંપનીએ રાજીવ કુમાર ગુપ્તાનો કેડો ઝાલી લીધો છે. હવે પ્રવાસન વિભાગે નડાબેટ પર ટેન્ટ બનાવવા માટે લોએસ્ટ બીડનું ટેન્ડર મંજૂર કરવાને બદલે વધુ બીડ કરનારી લલ્લુજી એન્ડ સન્સ કંપનીને ફાળવી દેવાની વાતો આવી છે. પ્રવાસન વિભાગમાં આમ તો તેના સચિવ હારિત શુક્લા છે, પરંતુ તે વિભાગ મૂળભૂત રીતે રાજીવ કુમાર ગુપ્તાના ઉદ્યોગ વિભાગની નીચે આવે છે. નવા વિભાગમાં બદલી થઇ તો ય લલ્લુજી એન્ડ સન્સની ઉપાધિ ફરી પાછી ગુપ્તાનો પીછો કરતી આવી છે.

સૌરભ પટેલ પર સાળા મુકેશ અંબાણીનો પ્રોજેક્ટ આવી પડ્યો
ઉર્જામંત્રી સૌરભ પટેલ માટે હાલ મોટી જવાબદારી આવી છે. તેમના કૌટુંબિક સાળા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જામનગરમાં વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે. સૌરભ પટેલ ઉર્જામંત્રી હોવાને કારણે ઘણી બધી ઔપચારિકતા ગુજરાત સરકાર વતી પૂરી કરવા માટેની કામગીરી કરવાની રહેશે. સચિવાલયમાં ચર્ચા છે કે, સૌરભ પટેલ પોતાના વિભાગના કામને લઇને ખૂબ ગંભીરતાથી કામ કરવા ટેવાયેલાં છે, તેમાંય હવે આ કામ તો સાસરી પક્ષ તરફથી આવ્યું છે તેથી તેમને લગન સાથે જ પૂર્ણ કરવું પડશે.

મુખ્યમંત્રી રૂપાણીને મુકેશ પુરી પર પૂરે પૂરી શ્રદ્ધા
ચાર-ચાર વર્ષથી સતત શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળતા મુકેશ પુરીની બદલી થવાની હતી, પરંતુ તેમની બદલીનો હુકમ ન થતાં આશ્ચર્ય સર્જાયું છે. હવે વાત જાણવા મળી છે કે રૂપાણીને પુરી ઉપર પૂરી શ્રદ્ધા છે કે તેમણે આદરેલું નવી ટીપી સ્કીમોને બહાલી આપવાની જવાબદારી પુરી જ પૂરી કરશે. રૂપાણીને લાગે છે કે આ કામ સાથે મુકેશ પુરી જ પહેલેથી સંકળાયેલા હતા તેથી તેઓ જ આ કામને સમજી શકશે અને ન્યાય આપી શકશે. પુરીની સાથે લોચન સહેરા પણ ત્રણથી વધુ વર્ષથી આ વિભાગમાં છે પણ તેઓને પણ અહીંથી રૂપાણીએ ખસેડ્યા નથી. રૂપાણી પાસે જ આ વિભાગનો હવાલો છે અને તેથી પોતાના વિભાગના આ બે અધિકારીઓને તેમણે ડિસ્ટર્બ થવા દીધા નથી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટે કમલ દયાણીને કમર કસવી પડશે
ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની જાહેરાત થઇ ગઇ, પરંતુ તેનાં અમલીકરણની પ્રક્રિયામાં જોઇએ એ ગતિ નથી. હવે સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ કલેક્ટર કોન્ફરન્સમાં આ મુદ્દો હાથ પર લેશે. પરંતુ આ કલેક્ટરોને આગળ ધકેલવા માટે ધક્કો તો મહેસૂલ વિભાગના નવા સચિવ બનેલા કમલ દયાણીએ જ મારવો પડશે. આ કાયદો સરકારે બનાવ્યો પણ અમલીકરણની સાર્થકતા દયાણીને સાબિત કરવા માટે કમર કસવી પડશે. આ કાયદા હેઠળ ગુન્હો નોંધાયા બાદ કેસ ચાલે ત્યારે પણ પૂરતાં કાગળીયા તૈયાર કરાવવા પડશે, નહીંતર સરકારી અને ખાનગી જમીનો તેના પર કબ્જો જમાવીને બેસેલાં લોકો પાસે જ રહેશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનવું છે? નાણાંની કોથળી ખોલી શકે તેવા સાવધાન
હાલમાં રાહુલ ગાંધી સુરત આવીને ગયા અને તે દરમિયાન કોંગ્રેસના ઘણાં નેતાઓ તેમને સપોર્ટ કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. આ મુલાકાત પછી ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ અને વિપક્ષના નેતાનું ગૂંચવાયેલું કોકડું ઉકલે તેવી આશા હતી, પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે કોઇ સાથે ખાસ વાત કરી નથી. પરંતુ હાલ ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં સંભવિત ખર્ચને લઇને ચિંતામાં છે. આ સંજોગોમાં કોંગ્રેસને એવા પ્રમુખની જરૂર છે જે પક્ષમાં ફંડની વ્યવસ્થા કરી શકે. અહેમદ પટેલના અવસાન બાદ ફંડ મેનેજમેન્ટ કોંગ્રેસ માટે મોટો પ્રશ્ન છે અને તેથી જ કોંગ્રેસ એવાં ખમતીધરને જ પોતાનો પ્રમુખ બનાવશે, તેવી ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...