અકસ્માત:ઇન્દ્રોડા પાસે કારચાલકે એક્ટિવાને અડફેટે લેતાં પુત્રનું મોત, પિતાને ઈજા, ઘરેથી નીકળી ગાંધીનગર આવતા હતા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઇન્દ્રોડા રહેતા અને સફાઇની કામગીરી કરતા પિતા, પુત્ર સોમવારે સવારે ટુ વ્હીલર લઇને ફરજ પર જતા હતા ત્યારે સવારે એક કારચાલકે તેમના વાહનને ટક્કર મારતા પિતા પુત્ર ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પુત્રનુ મોત થયુ હતુ, જ્યારે પિતા ગંભીર ઇજાગ્રસ્ત થતા અમદાવાદ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ બનાવને લઇને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ઇન્દ્રોડા ગામમા રહેતા 32 વર્ષિય હરેશભાઇ કાંતિભાઇ મકવાણા અને તેમનો પુત્ર પૃથ્વીરાજ ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારમા સફાઇની છુટક કામગીરી કરતા હતા ત્યારે નિત્યક્રમ મુજબ સોમવારે સવારે પોતાનુ એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યા હતા. ઇન્દ્રોડા ગામમા પ્રવેશવાના રસ્તેથી તેઓ ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક સામે આવેલા રસ્તા સામેથી શહેરમા પ્રવેશ કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણી કારના ચાલકે કારને પુરપાટ ઝડપે હંકારી એક્ટિવાને ટક્કર મારતા પિતા અને પુત્ર રોડ ઉપર પટકાયા હતા.

જેમા બંને લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમા સારવાર અર્થે ગાંધીનગર સિવિલમા ખસેડવામા આવ્યા હતા. જ્યા તબીબે પુત્ર પૃથ્વીરાજને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પિતા હરેશભાઇને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમા ખસેડાયા હતા. મૃતકના સબંધીએ ફરિયાદ કરતાં પોલીસ કારચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...