અસામાન્ય સ્થિતિમાં મતદાન:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે કોઈ એમ્બ્યુલન્સમાં, કોઈ લગ્ન મંડપમાંથી તો કોઈ સાત સમંદર પારથી પહોંચ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અનેક સ્થળો પર શતાયું વટાવી ચૂકેલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
  • કેટલાક વૃદ્ધો ચાલી શકતા ના હોવા છતા અન્યના સહારે મતદાન કરવા પહોંચ્યા

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે પણ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. રાજ્યમાં દિવસભરના મતદાન દરમિયાન અનેક મતદારો એવા પણ જોવા મળ્યા હતા કે જેઓ અસામાન્ય સ્થિતિમાં પણ પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. અસામાન્ય સંજોગોમાં પણ મતાધિકારનો ઉપયોગ કરી એવા લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે જેઓ કોઈ કારણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. ત્યારે એક નજર અસામાન્ય સ્થિતિમાં મતદાન કરનારા મતદારો પર કરીએ.

નવસારીના ચીખલીમાં દુલ્હને મતદાન કર્યું
નવસારીના ચીખલીમાં દુલ્હને મતદાન કર્યું

લગ્ન મંડપમાંથી દુલ્હન મતદાન કરવા પહોંચી
નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામમાં મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે દુલ્હન લગ્ન મંડપમાંથી મતદાન મથક પર પહોંચી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દુલ્હનના મતદાન માટે તેનો જીવનસાથી પણ સાથે રહ્યો હતો.

વલસાડના ભાગડાવાડામાં સ્ટ્રેચર પર આવી મતદાન કર્યું
વલસાડના ભાગડાવાડામાં સ્ટ્રેચર પર આવી મતદાન કર્યું

એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર આવી મતદાન કર્યું
વલસાડના ભાગડવાડા ગામના કરીમનગર ખાતે રહેતા તબ્રેશ કિલું નામના યુવાનને સાઉથ આફિકા ખાતે એક મહિના પહેલા ઇજાગ્રસ્ત થતા તબ્રેશ સારવાર અર્થે પોતાના વતન વલસાડ ખાતે પરત ફર્યો હતો. વલસાડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી યુવાન સારવાર લઈ રહ્યો હતો. બે કે ત્રણ દિવસ પહેલા યુવકનું વલસાડની હોસ્પિટલમાં પગ અને કમરનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં મતદાન લવાયો હતો. ભાગડવાડાના મતદાન મથકે એમ્બ્યુલન્સના સ્ટ્રેચર ઉપર મતકુટીર સુધી જઈ મતાધિકારનો ઉપયોગ કરી અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણા રૂપ અપીલ કરી હતી.

સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ મતદાન કર્યું
સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યાના બે દિવસ બાદ મતદાન કર્યું

સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો હોવા છતા માતાએ મતદાન કર્યું
​​​​​​​
દાહોદના સંજેલમાં બે દિવસ પહેલા જ એક મહિલાએ સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો હતો. તેમ છતાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન હોય તે પરિવારજનોની સહાયતા લઈ મતદાન મથક પર પહોંચી હતી.

કાંખઘોડીના સહારે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું
કાંખઘોડીના સહારે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું

દાહોદની સંજેલી ગ્રામ પંચાયતમાં દિવ્યાંગે મતદાન કર્યું
દાહોદ જિલ્લાની સંજેલી ગ્રામ પંચાયતમાં દિવ્યાંગ મતદાર મતદાન માટે પહોંચ્યો હતો. અહીં વ્હીલચેરની વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે દિવ્યાંગ મતદારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

મતદાન માટે વૃદ્ધોએ યુવાનોને શરમાવે તેવો ઉત્સાહ દેખાડ્યો
​​​​​​​
મહેસાણા જિલ્લામાં આજે અનેક મતદારો અસામાન્ય સ્થિતિમાં મતદાન માટે પહોંચ્યા હતા.બેચરાજીના સૂરજ ગામમાં 110 વર્ષના ધનીબેન પણ મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.તો કચ્છના રાપર તાલુકાના આડેસર ગામમાં 91 વર્ષીય ડાઈબેન દ્વારા પણ મતદાન કરવામા આવ્યું હતું.પાટણના બલીસ ગામમાં પણ પરિવારજનો ઘરના વૃદ્ધોને મતદાન મથક પર લાવ્યા હતા.

વડતાલમાં સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
વડતાલમાં સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

સંતોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી
​​​​​​​વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મતદાન કર્યુ હતું. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી, વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિતના સંતોએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરના 350 જેટલા સંતો અને 70 સાંખ્યાયોગી બહેનોએ મતદાન કરી આ લોકશાહી પર્વને ઉજવ્યો હતો.

કચ્છમાં NRI મતદાન કરવા માટે પહોંચ્યા
કચ્છમાં NRI મતદાન કરવા માટે પહોંચ્યા

મતદાન માટે સાત સમંદર પારથી આવ્યા​​​​​​​
ભુજ તાલુકાના પટેલ ચોવીસીના માનકુવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે છેક લંડનથી મતદારો આવ્યા છે. બન્ને પક્ષે પાટીદાર ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા NRI આવ્યા​​​​​​​ છે. ભુજ તાલુકાના માનકુવા ગામે યુકે. નૈરોબીથી NRI લોકશાહીનો હિસ્સો બનવા મતદાન કરવા આવી પહોંચ્યા છે. માનકુવામાં વિદેશથી વતન આવેલી મહિલાઓ મત આપવો એ દેશપ્રેમ સમાન હોવાની વાત કરી હતી.