દહેગામનાં રખીયાલમાં રહેતા વૃદ્ધ મહિલા તેમના દીકરાની સાસરીમાં ઉત્તરાયણ મનાવવા ગયા હતા. જેમના બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ ત્રાટકીને અંદરથી 50 હજાર રોકડા તેમજ 57 હજારની કિંમતના દાગીના મળીને રૂ. 1.07 લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો
દહેગામના રખીયાલ બજાર વિસ્તારમાં રહેતાં 57 વર્ષીય વિધવા ભાવનાબેન નવીનચંદ્ર શાહ ગત તા.13મી જાન્યુઆરીનાં રોજ બપોરના સમયે દીકરા ધવલનાં પરિવારના સાથે તેની સાસરી ઓઢવ ખાતે ઉત્તરાયણ મનાવવા માટે ગયા હતા. ત્યારે ગઈકાલે ઉત્તરાયણની બપોરના સમયે ભાવનાબેન દીકરીએ ફોન કરીને ઘરે ચોરી થઈ હોવાની જાણ કરી હતી. આથી ભાવનાબેન સહિતના લોકો તાબડતોબ રખીયાલ દોડી આવ્યા હતા. જ્યાં ઘરનો દરવાજાનું તાળુ તૂટેલું હાલતમાં હતું અને ઘરની અંદરનો તમામ સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. જ્યારે ઘરના બીજા રૂમમાં મુકેલ બન્ને તિજોરીઓ પણ ખુલ્લી હતી અને તેમા મુકેલ તમામ સામાન અસ્ત-વ્યસ્ત હાલતમાં પડ્યો હતો.
પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી
બંને તિજોરીની તપાસ કરતાં અંદરથી રૂ. 50 હજાર રોકડા, દોઢ તોલાનો સોનાના દોરો તેમજ સોના ચાંદીની મિક્સ ધાતુની બંગડીઓ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આસપાસના એરિયામાં તસ્કરોની સઘળ મેળવવા માટે દોડધામ કરી હતી. તેમજ ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમને બોલાવીને તપાસ શરૂ કરાઈ હતી. જો કે, કોઈ ફળદાયી હકીકત પ્રકાશમાં આવી ન હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.