તસ્કરોનો તરખાટ:માણસાનાં વેડા ગામના બારોટવાસમાં તસ્કરો ત્રાટક્યા, એકસાથે છ મકાનના તાળાં તોડી ચાંદીના સિક્કા - રોકડ મળી 50 હજારની મત્તા ઉઠાવી ગયા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના વેડા ગામના બારોટ વાસમાં તસ્કરોએ ત્રાટકીને એકસાથે છ બંધ મકાનોનાં તાળા તોડી અંદરથી ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળીને કુલ રૂ. 50 હજાર જેટલી મત્તા સાફ કરી નાસી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ અમદાવાદ ગોતા મુકામે રહેતાં મૂળ માણસાનાં વેડા ગામના વતની પ્રકાશભાઇ વિષ્ણુભાઇ બારોટ પરિવાર સાથે નિવૃત જીવન ગુજારે છે. બે દીવસ પહેલા વેડાથી તેઓ પત્ની સાથે અમદાવાદ રહેતાં દીકરાના ઘરે ગયા હતા. ત્યારે આજે સવારે કાકાના દિકરાએ પ્રકાશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે, તમારા અને આસપાસના ઘરના તાળા તૂટયા છે.

આ સાંભળી પ્રકાશભાઈ તેમની પત્ની રેણુકાબેન તાબડતોબ વેડા ગામે પહોંચી ગયા હતા. જ્યાં જોયેલ તો તેમના ઘરના દરવાજાનુ લોક નહોતું અને ઘરની તીજોરીનું તાળુ પણ તુટેલ હાલતમાં હતું. જે તીજોરીની અંદરથી રૂપિયા 10 હજાર રોકડા તથા તિજોરીની બાજુમાં બીજું ડીઝીટલ લોકર પણ હતુ તેને પણ તોડી તેમાં મુકેલા રોકડા રૂ. 18 હજાર તથા ચાંદીના સિકકા નંગ -4 ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. તેમજ બીજા માળે પણ તિજોરી તોડી સર સામાન ફેંદી નાખેલ હાલતમાં પડ્યો હતો.

આ સિવાય બાજુમાં ૨હેતા રાકેશભાઇ બારોટના મકાનનુ તાળુ તૂટેલ જોઈ અંદર તપાસ કરતા તેમના ઘરની તીજોરનું લોક તોડી અંદર મૂકેલ રોકડા રૂા. 4 હજાર તથા ચાંદીના સિક્કા નંગ-4 મળી 12 હજારની મત્તા ચોરી તસ્કરો નાસી ગયા હતા. એટલામાં ત્રીજા મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું હોવાની બૂમ ઉઠી હતી. જેથી ત્યાં તપાસ કરતા દેવેન્દ્રભાઇ બબાભાઇ બારોટના મકાનનું લોક તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. એજ રીતે ચોથા મકાન ગૌતમભાઇ ડાહ્યાલાલ બારોટના ઘરનું લોક તોડી ઘરની અંદરથી 800 રોકડા અને અન્ય સર સામન, પાંચમુ મકાન પ્રદિપભાઇ રામપ્રતાપભાઇ બારોટ અને છઠ્ઠા હર્ષદકુમાર ચતુરભાઇ બ્રહ્મભટ્ટના મકાનના ઝાંપાનું તાળું તોડવામાં આવ્યું હતું. ઉક્ત છ મકાનોમાં થયેલ ઘરફોડ ચોરી અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...