ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીની વણઝાર વચ્ચે ગઈકાલે રાતનાં દોલારાણા વાસણાં ગામમાં ત્રાટકીને તસ્કરો એક સાથે ત્રણ મંદિરના તાળાં તોડીને આભૂષણો - રોકડ રકમની ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તસ્કરોએ ત્રણ મંદિરમાં ચોરી કરવામાં આવતાં ગ્રામજનોમાં પણ પોલીસ કામગીરી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં એક પછી એક મિલકત સંબંધી ગુનાને અંજામ આપી તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરમાં જ સેકટર - 13, રાયસણ તેમજ સેકટર - 7 શોપિંગ ખાતે થયેલી ઘરફોડ ચોરીનાં ગુના વણ ઉકેલ્યા છે. એવામાં સેકટર - 8 માં ચર્ચની સામે પણ બંગલામાં તસ્કરો હાથફેરો કર્યો છે. તો દહેગામમાં પણ તસ્કરોએ દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.
ત્યારે ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા દોલારાણા વાસણાં ગામમાં ગઈકાલે એકસાથે ત્રણ મંદિરના તાળાં તૂટયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં નદી પાસે આવેલા ત્રણ મંદિરમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ ત્રાટકી તરખાટ મચાવી દેવામાં આવ્યો છે. મંદિરના પૂજારી આજે સવારે નિત્યક્રમ મુજબ પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા.
એ દરમ્યાન મંદિરના દરવાજા તૂટેલા જોઈ ચોંકી ઉઠયા હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો પણ મંદિરે દોડી આવ્યા હતા. ત્યારે તપાસ કરતા તસ્કરોએ અત્રેના નાગણેશ્વરી સહિત ત્રણ મંદિરોમાંથી તસ્કરો માતાજીના આભૂષણો અને રોકડ રૂપિયા ચોરી ગયાનું ખુલવા પામ્યું હતું. આ મામલે ચીલોડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.