ગાંધીનગર ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા દોલારાણા વાસણા તેમજ છાલા ગામમાં આવેલી પાંચ દુકાનના તાળા તોડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં પોલીસના રાત્રિ કરફ્યુ વચ્ચે સબ સલામતના પોકળ દાવાની પોલ ખુલી જવા પામી છે. આ પાંચ દુકાનોમાંથી આશરે પોણા લાખથી વધુની મતાની ચોરી થવા પામી છે. જેમાં દોલારાણા વાસણા ગામે હાલમાં પહોંચેલી પોલીસે cctv ફુટેજનાં આધારે તસ્કરોનું પગેરૂ શોધવા તજવીજ હાથ ધરી છે.
કાળા કપડા પહેરેલા બે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો
ગાંધીનગર જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગાંધીનગરમાં રાત્રિ કરફ્યુની અમલવારી માટે પોલીસ કાફલો ખડકી દઇ સઘન પેટ્રોલીંગ કરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવતા હોય છે. ત્યારે આજે મધરાત્રીના લગભગ બે વાગ્યાની આસપાસ ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામે તસ્કરો ત્રાટકયા હતા. કાળા કપડા પહેરેલા બે તસ્કરો રાત્રીના અંધકારમાં ગામમાં આવેલી ત્રણ દુકાનના શટરના તાળા લોખંડના સળીયા વડે તોડીને અંદરથી રોકડ રકમ સહિતની પરચુરણ ચીજોની ચોરી કરતા હોવાનું cctvમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે.
જિલ્લામાં ઘણા સમયથી ચોરોએ તરખાટ મચાવ્યો
જેમાં બે કરિયાણાની દુકાન તેમજ એક જનરલ સ્ટોરમાં તસ્કરો રાત્રિ દરમિયાન ત્રાટક્યા હતા. અને ગામની ત્રણ દુકાનોમાં હાથફેરો કરીને 50 હજારથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા. ગાંધીનગર જિલ્લામાં ઘણા સમયથી ચોરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે.અગાઉ પણ આ ગામમાં ચોરી થઈ હતી. અત્રેના ગામમાં અગાઉ એક સાથે પણ 5 ઘરના તાળા તૂટ્યાની ઘટના બની હતી. અને આશરે 10 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. પરંતુ આજ સુધી તસ્કરોનું પગેરૂ મળી આવ્યું નથી.
ત્રણ દુકાનમાંથી 50 હજારથી વધુની ચોરી થઈ
એક દુકાનદાર અમિત જનરલ સ્ટોરના મલિક સાથે વાત કરતા જણાવ્યું કે મેં મારા વેપારના 22 હજાર દુકાનમાં મુક્યા હતા તે રોકડ તસ્કરો લઈ ગયા છે. જ્યારે બીજી જેઠાલાલ લક્ષ્મીચંદ કરીયાણાની દુકાનમાંથી ચાંદીના સિક્કા અને રોકળની ચોરી થઈ હોવાની વાત સામે આવી રહી છે. કુલ મળીને ત્રણ દુકાનમાંથી 50 હજારથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. તો બીજી તરફ છાલા ગામમાં રહેતા રમેશભાઈ મોતીભાઈ પટેલ ગામમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ(મધુર ડેરી) સંચાલિત કામધેનુ પાર્લર ચલાવે છે. સોમવારે રાત્રે 9 વાગે તેઓ પાર્લરનું લોખંડનું શટર બંધ કરીને ઘરે ગયા હતા. વહેલી સવારે તેઓ પાર્લર આવ્યા ત્યારે શટરનું તાળું તૂટેલું તેમજ શટર બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. જેનાં પગલે રમેશભાઈએ પાર્લરમાં તપાસ કરતા તમામ સર સામાન વેર વિખેર હતો. અને ડ્રોવર કાઉન્ટર પર પડ્યું હતું. જેમાથી તસ્કરો 41 હજાર બસ્સોની ચોરી કરીને આબાદ રીતે ફરાર થઈ ગયા હતા. જ્યારે ગામમાં કટલેરી ની દુકાન ધરાવતા કપિલાબેન વ્યાસની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. આ બનાવના પગલે ચિલોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.