આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ગઈ મધરાત્રે પાંચ તસ્કરો ગાંધીનગરના અડાલજ ખાતેના સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરમાં ત્રાટકી બેખોફ રીતે આખેઆખી દાનપેટી ચોરીને ફરાર થઈ ગયા હતા. જોકે, દાન પેટીમાં રવિવારે સવારે જ પૈસા કાઢી લેવામાં આવ્યા હોવાથી માત્ર રૂ. 1 હજાર રોકડ જ તસ્કરોનાં હાથમાં આવી હોવાનું અનુમાન કરી અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
આજથી પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભ સાથે અડાલજનાં સુપ્રસિદ્ધ શનિદેવનાં મંદિરમાં ચોરીની ઘટના બનતા શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા 13 વર્ષથી શનિ દેવ મંદિરમાં પૂજા અર્ચના કરતા દેવેન્દ્ર ભાઈ હર્ષદભાઈ ઉપાધ્યાય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી મંદિરમાં દર્શન કરવા ગઈકાલથી જ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા.
શનિ દેવ મંદિર દ્વારા દર રવિવારે દાન પેટી ખાલી કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે આવ્યો છે. જે અન્વયે ગઈકાલે રવિવારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં દાન પેટીમાંથી દાનમાં આવેલી તમામ રકમ કાઢી લેવામાં આવી હતી. ત્યારે નિત્યક્રમ મુજબ દેવેન્દ્રભાઈ શનિ દેવની પૂજા અર્ચના કરી કરીને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મંદિર માં જ આવેલી શંકર ભગવાનની મૂર્તિ આગળ સૂઈ ગયા હતા.
ગઈકાલે અમાસ હોવાના કારણે શ્રદ્ધાળુ રાત્રીના સમયે પણ દર્શન કરવા આવતા હતા. ત્યારે રાત્રીના ના સમયે સાફ સફાઈ કરીને પૂજારી સવારના થાક્યા હોવાથી ઘસઘસાટ સૂઈ ગયા હતા. ત્યારે મધરાત્રે બે થી અઢી વાગ્યાના ગાળામાં પાંચ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. મંદિર માં પ્રવેશ કરતા પહેલા તસ્કરોએ મંદિર આસપાસ બેઠેલી ગાયોને હટાવી પછી મંદિર પાસેના ગાર્ડન તરફથી પ્રવેશ કર્યો હતો.
ત્યારે મંદિરમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ હાથ ન લાગતા ત્રણ તસ્કરોએ મંદિર આસપાસ ચોકી પહેરો કર્યો હતો અને બે તસ્કરો સ્ટેન્ડ સાથેની વજનદાર દાન પેટી ઊંચકીને મંદિર પાસેની ઝાડીમાં થઈ નાસી ગયા હતા. આજે સવારે મંદિરના પૂજારી જાગ્યા ત્યારે દાન પેટી ગાયબ હતી. જેનાં પગલે તેમણે મંદિરના આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી જ્યાં નજીકની ઝાડીઓ દાન પેટી નું સ્ટેન્ડ મળી આવ્યું હતું. જ્યારે દાન પેટી મંદિર થી આશરે 300 મીટર દૂર બિનવારસી હાલતમાં આજે બપોરે મળી આવી હતી. જેમાથી તસ્કરો રૂપિયા ચોરી ગયા હતા.
બાદમાં મંદિરના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા તસ્કરોએ રાત્રીના બેથી અઢી વાગ્યા દરમિયાન મંદિરની દાન પેટી ચોરી કરી નાસી ગયાનું માલુમ પડયું હતું. જેનાં પગલે પૂજારીએ દાન પેટીમાંથી આશરે એક હજારની રોકડ તેમજ ત્રણ હજારની દાન પેટી એમ કુલ 3 હજારની મત્તા ચોરી થયાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.