તસ્કરોનો તરખાટ:અડાલજનાં દેવનંદન પરિસરનાં ત્રણ બંધ ફ્લેટોમાં તસ્કરો ત્રાટકયા, 11 લાખના દાગીના સહિત 18 લાખની મત્તાની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાલજનાં દેવનંદન પરિસરનાં ત્રણ બંધ ફ્લેટમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બંધ મકાનમાંથી 11 લાખના સોના ચાંદીના દાગીના તેમજ 7 લાખ રોકડા મળીને 18 લાખથી વધુની મત્તા ચોરી ફરાર થયા હતા. દેવનંદન પરિસરમાં તહેવારો ટાણે જ તસ્કરોએ હાહાકાર મચાવી દેતા અડાલજ પોલીસની સામે પણ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
બંધ ફ્લેટનાં તાળા તોડ્યાં
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ અત્રેના વિસ્તારની દેવનંદન પરિસર સોસાયટીના એકસાથે ત્રણ બંધ ફ્લેટનાં તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.
પરિવાર અન્ય મકાનમાં રાત રોકાયા હતા
આ સોસાયટીમાં ફ્લેટ નંબર એચ- 104 માં રહેતા બુધાજી કાળાજી ઠાકોર અડાલજ ટહુકાની ચેહર માતાની મંદિરની બાજુમાં ચાંમુડા સર્વિસ સ્ટેશન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગઈકાલે બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ફ્લેટ બંધ કરી પત્ની નંદુબેન તથા દિકરી નતાશા સાથે બુધાજી પોતાના સર્વિસ સ્ટેશને કાર વોશિંગનું કામ કરવા ગયા હતા અને રાત્રીના સમયે તેઓ બીજા મકાને સૂવા માટે ગયા હતા. આજરોજ સવારના આશરે સાતેક વાગ્યાના સુમારે બુધાજી સર્વિસ સ્ટેશનથી ઉપરોકત ફ્લેટ ખાતે ગયા હતા. જ્યાં ફ્લેટના મુખ્ય દરવાજાનાં તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા.
​​​​​​​ઘરનો તમામ સામાન વેર વીખેર કરી નાખ્યો
​​​​​​​
તેઓએ અંદર જઈને જોતા બેડ રૂમના લાકડાના કબાટ ખુલ્લા અને અંદરથી સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તેમજ બીજા બેડરૂમની લોખંડની તિજોરી ખુલ્લી હતી અને તેનો પણ સર સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. આથી બુધાજીએ વધુ તપાસ કરતા સોનાની મગમાળા 3 તોલા વજનની, સોનાનો સેટ 5 તોલા વજનનો, સોનાની વીંટી એક-એક તોલા વજનની નંગ-4, સોનાની વીંટી અડધા તોલાની, સોનાનુ લોકેટ 2 તોલાનું, સોનાનું કડુ દોઢ તોલાનું, સોનાની કડીઓ નંગ-4, સોનાનું દોઢ તોલા વજનનું મંગળસુત્ર, ચાંદીના કડલા કુલ રૂ. 11 લાખ તેમજ 7 લાખ રોકડા મળીને કુલ રૂ. 18 લાખથી વધુની મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.
અન્ય બે ફ્લેટનાં પણ તાળા તૂટ્યાં
આ સિવાય પણ તસ્કરોએ ફ્લેટ નંબર 102 તેમજ 302 ના પણ તાળા તોડીને તરખાટ મચાવ્યો હતો. જોકે, હજી એક જ ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના રોકડ મળીને 18 લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉક્ત બંને ફ્લેટમાંથી મોટી મત્તા તસ્કરો ચોરી ગયા હોવાનું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...